તમામ મતદારો માટે ડિપોઝીબલ હેન્ડ ગ્લોઝ, માસ્ક અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરાઈ : કોરોના સંક્રમિત મતદારો માટે છેલ્લા એક કલાક દરમ્યાન મતદાનની વ્યવસ્થા પીપીઈ કીટ સાથે ઉપલબદ્ધ : કોરોના ગાઈડલાઇન્સના પાલન માટે તંત્ર તરફથી તૈયારીઓને અપાયો આખરી ઓપ: મોરબી : આવતીકાલે મંગળવારે ૬૫ મોરબી- માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈને ચૂંટણીપંચ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જે સંદર્ભે ૬૫ મોરબી-માળિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા અંદાજે 410 જેટલા મતદાન મથકોને પાછલા બે દિવસથી સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી જે હવે પૂર્ણતાને આરે છે. આ ઉપરાંત મતદાન સમયે મતદારોએ રાખવાની થતી સાવચેતી માટેની વ્યવસ્થાઓને પણ પુરી કરી લેવામાં આવી છે. લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી મંગળવારે યોજવવા જઈ રહી છે ત્યારે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાને લઈને તંત્ર તેમજ ચૂંટણીપંચ દ્વારા તમામ તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે તમામ મતદાન મથકોમાં દરેક મતદાતાને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો એક હેન્ડ ગ્લોઝ આપવામાં આવશે, જે પહેરીને જ મતદારે ઇવીએમ મશીનનું બટન દબાવવાનું રહેશે. આ ઉપરાંત દરેક મતદાતાઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. જે મતદાતાઓ પાસે માસ્ક નહીં હોય તેવા મતદારોને બૂથ પરથી ડિસ્પોઝેબલ માસ્ક પણ આપવામાં આવશે. પુરી મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ પાર્ટીના એજન્ટો અને મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને પીપીઇ કીટ ફરજિયાત કરવામાં આવી છે. મતદાન એ ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકનો હક માનવામાં આવ્યો છે ત્યારે હાલ જે મતદારો કોરોના સંક્રમિત હશે તેઓ માટે છેલ્લા એક કલાક દરમિયાન મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવા મતદારોને મતદાન મથકેથી કીટ પહેરાવીને મતદાન કરાવવામાં આવશે. ઉપરોક્ત તમામ કામગીરી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તારોમાં પાલિકા હસ્તક અટોપવામાં આવી છે.