રઘુવંશી કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરના પેશન્ટ માટે દરરોજ યોજાતી નોખી- અનોખી પ્રવૃત્તિ મોરબી : મોરબીના રઘુવંશી કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં દરરોજ નોખી- અનોખી પ્રવૃત્તિ થઈ રહી છે. જેમાં કોવિડ દર્દીઓના મનોરંજન માટે ખાસ હાસ્ય શોનો કાર્યક્રમ યોજાયા બાદ ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. આમ કોરોના દર્દીઓ ભજનની રમઝટ માણી દુઃખ દર્દ ભૂલી ગયા હતા. મોરબીમાં નાગરિક બેંકની સામે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનમાં સમાજના લોકો માટે 50 બેડનું કોવિડ કવોરંટાઇન સેન્ટર કાર્યરત છે. જ્યાં એમ.ડી. તથા એમ.બી.બી.એસ. ડોકટર, બે મેડિકલ ઓફિસર, સાત નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ કવોરંટાઇન થયેલા લોકોની સેવા-શ્રુષૂતા કરવામાં આવે છે. સેન્ટરમાં એક ટેલિવિઝન રાખવામાં આવ્યું છે. જેના દ્વારા લાફિંગ થેરેપી આપવાના ભાગરૂપે કોમેડી શૉ અને હાસ્યરસ પીરસતા અન્ય વિડીઓ દર્શાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લાફિંગ થેરેપી, યોગ, પ્રાણાયમ, કસરત કરાવવામાં આવે છે. વધુમાં આ સેન્ટરમાં દર્દીઓને હળવા કરવા માટે ખાસ હાસ્ય કલાકારનો શો રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે અહીં ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભજનીક અને તેમના સાજિંદાઓએ ભજનની રમઝટ બોલાવી દર્દીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.