243 પાટીદાર યુવાનોએ આવેદન પત્ર આપી મોરબીમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાનું જણાવી હથિયારની પરવાનગી માંગી હતીકલેકટરે નોંધ લીધી તે આનંદની વાત, યુવાનોએ તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી દેશે અને હથિયારનો દૂરઉપયોગ નહિ કરે : મનોજ પનારા મોરબી : મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા પાટીદાર સમાજના યુવાનને અસામાજિક તત્વો દ્વારા જાણી જોઈને ટાર્ગેટ કરાતા હોવાના અને મોરબીમાં કાયદો વ્યવસ્થા ખાડે ગયાની રજૂઆત સાથે 243 યુવાનોની હથિયાર પરવાનગીની ઓફલાઇન અરજી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મામલે યુવાનોની અરજી અન્વયે કલેકટર તંત્ર દ્વારા રજૂઆત કરનાર આગેવાન મનોજ પનારાને લેખિતમાં જાણ કરી હતી કે હથિયાર પરવાના માટે નિયમ મુજબ 9 ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા પાટીદાર આગેવાન મનોજ પનારાની આગેવાનીમાં ગત તા.28 નવેમ્બરના રોજ 243 યુવાનો માટે હથિયારની લાયસન્સની અરજી કલેકટર સમક્ષ મુકવામાં આવી હતી. જે અંગે કલેકટર તંત્ર દ્વારા પત્ર પાઠવીને જણાવાયુ છે કે આ અરજી ઓફલાઇન મળી છે. આર્મ્સ રૂલ્સ-૨૦૧૬ના અંતર્ગત તમામ અરજીઓ ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ ndal-alls.gov.in પર ઓનલાઈન અરજી કરવામાં આવે. જેમાં હથિયાર પરવાની માંગણી અંગેનું ઓનલાઈન ફોર્મ, ફોર્મ-૬-૧, ફોર્મ-૬-૨, ફોર્મ-૬.૩, શુટીંગ સર્ટીફિકેટ, પાસપોર્ટ ફોટા, રહેઠાણનો પુરાવો, રૂ.૧૦૦૦/-નું ચલણ, જન્મ તારીખનો આધાર, વ્યવસાયના આધાર-પુરાવા, આર્થિક સ્થિતિ અંગે છેલ્લા ૩ વર્ષના ઈન્કમટેક્ષ રિટર્ન આ 9 ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. આ પત્ર મામલે મનોજભાઈ પનારાએ જણાવ્યું કે સંગઠન બનાવવામાં આવ્યાને 2 મહિના જેટલો સમય થયો છે ઘણા સુધારા આવ્યા છે. અંદાજે 2 હજાર જેટલા પાટીદારોએ કલેકટર કચેરીએ જઈને 243 જેટલા યુવાનો માટે હથિયારની પરવાનગી માગી હતી. ખુશીની વાત એ છે કે કલેકટરે આ અરજીની નોંધ લીધી છે. તેઓનો પ્રતિભાવ આવ્યો છે. તેઓ દ્વારા ઓનલાઈન અરજી સાથે 9 ડોક્યુમેન્ટ જમા કરાવવાનું જણાવાયુ છે. વધુમાં પાટીદાર યુવાનો આ હથિયારનો ગેરઉપયોગ નહિ કરે. તમામ યુવાનો આ ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી જમા કરાવી આપશે.