અગાઉ પરિણીતાના પતિ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઘટનાને અંજામ અપાતા મહિલા સહિત ત્રણ સામે ફરિયાદમોરબી : મોરબી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિણીતાના પતિ સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી એક મહિલા સહિતના ત્રણ આરોપીઓએ પરિણીતાને ગાળો આપી હાથ વાળી માર મારવા ઉપરાંત બળજબરીથી મોટરસાયકલ પર બેસી જવાનું કહી છેડતી કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં એક મહિલા સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીત મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેશ ઉર્ફે ડેગો કેશુભાઇ પરમાર, નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમાર અને પુજાબેન નીતીન ઉર્ફે બેરો પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, અગાઉ તેણીના પતિ સાથે થયેલી બોલાચાલી બાબતે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ મહિલાના ઘરે આવી ગાળો બોલી ઝઘડો કર્યો હતો અને બાદમાં હાથ મરડી નાખી માર માર્યો હતો.ઉપરાંત આરોપીઓએ મોટરસાયકલ પર બેસી જવાનું કહી શરીરે અડપલા કરી છેડતી કરી હતી.વધુમાં મહિલાને માર મારવામાં આવતા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.