ખરીફ સિઝનમાં વાવણી માટે નાણાંની જરૂરિયાતને પગલે ખેડૂતોએ યાર્ડમાં લાઈનો લગાવી મોરબી : મોરબી જિલ્લામાં મીની લોકડાઉનને કારણે એક માસ જેટલો સમય સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યા બાદ યાર્ડ ફરી ફૂલ ફલેન્જમાં ધમધમતા થતા ખરીફ સિઝનમાં વાવણી માટે નાણાંની જરૂરિયાતને પગલે ખેડૂતોએ પોતાની જણસ વેચવા રીતસર લાઈનો લગાવતા યાર્ડમાં ઘઉં, તલ, જીરું, વરિયાળી, ઇશબગુલ અને ચણાના ઢગલા જોવા મળી રહ્યા છે. મોરબી જિલ્લામાં કોરોના સંક્ર્મણે માઝા મુકતા મીની લોકડાઉન અમલી બનતા મોરબી, વાંકાનેર અને હળવદ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં સરકારે છૂટછાટ આપતા માર્કેટિંગ યાર્ડ એકાદ-બે જણસીની આવક શરૂ કરી હતી. જેમાં હવે મજૂરો આવી જતા તમામ જણસી ઉતારવા ખેડૂતોને છૂટ આપવામાં આવતા આજે ઉઘડતી બજારે મોરબી જિલ્લામાં તમામ યાર્ડમાં ઘઉં, તલ, જીરું, વરિયાળી, ઇશબગુલ અને ચણા સહિતની જણસોની ધીંગી આવક થવા પામી છે. નોંધનીય છે કે, ખરીફ સિઝનમાં વાવણી માટેનો સમયગાળો નજીક આવતા જ ખેડૂતો ઘઉં, ચણા, તલ, વરિયાળી, જીરું, બાજરી, એરંડા, મગફળી, જુવાર સહિતની જણસો વેચવા આવી રહ્યા છે અને તમામ ખેત પેદાશના ખેડૂતોને ભાવ પણ સારા ઉપજી રહ્યા છે.