મોરબી જિલ્લાના ગોર ખીજડિયા, શ્રીજીનગર, લક્ષ્મીવાસ, ધુનડા ખાનપર તેમજ જોડિયાના ભાદરા, ધ્રાંગધ્રાના હરિપર ગામે આપ્યો ટેકોમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા પોતાની કિંમતી જમીન બચાવવા અને ખાનગી કંપની દ્વારા નાખવામાં આવી રહેલી વીજ લાઇનના થાંભલાના વિરોધમાં બિનરાજકીય ખેડૂત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને હવે વિવિધ વિસ્તારોમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે.મોરબી તાલુકાની ગોર ખીજડીયા ગ્રામ પંચાયત દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખીને જેતપરના ખેડૂતોની આ માંગણીને સંતોષવાની રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં સરપંચ દ્વારા જણાવાયું છે કે જેતપર ગામમાં વીજ લાઇનના થાંભલા બાબતે ખેડૂતો લાંબા સમયથી આંદોલન અને ઉપવાસ પર બેઠા છે. ખેડૂતોની આ માંગણી તદ્દન વ્યાજબી હોવાથી આ બાબતે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ ખેડૂત આંદોલનને માત્ર મોરબી જ નહીં પરંતુ આસપાસના અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી પણ ભારે સમર્થન મળી રહ્યું છે. ટંકારા તાલુકાની ધૂનડા (ખા) ગ્રામ પંચાયતના સરપંચ એ.જે. કાસુન્દ્રાએ પત્ર લખી જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી ખાનગી કંપનીના ફાયદા માટે ખેડૂતોની મંજૂરી વિના વીજ લાઇન નાખી ખેડૂતોની કિંમતી જમીન બગાડવામાં આવી રહી છે, જેની સામે ચાલી રહેલા જેતપર ગામના આંદોલનને પંચાયતનું સંપૂર્ણ સમર્થન છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની ભાદરા ગ્રામ પંચાયતના સરપંચ ભાડેરી મહેશભાઈ દ્વારા જેતપર ખાતે ચાલતા બિનરાજકીય આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરાયો છે. આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની હરીપર ગ્રામ પંચાયત દ્વારા જેતપર ખાતે ચાલતા વીજલાઇનના વિરોધ પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું છે.હળવદ તાલુકાની શ્રીજીનગર (નવા વેગડવાવ) ગ્રામ પંચાયતના સરપંચ કણઝારીયા ધનજીભાઈ બાવલભાઈએ પણ ઉપવાસ આંદોલનને પંચાયત વતી સત્તાવાર ટેકો આપ્યો છે. આ ઉપરાંત, માળિયા-મિયાણા તાલુકાની લક્ષ્મીવાસ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર પ્રાણજીવન ભવાનભાઈ કાવર, તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને લક્ષ્મીવાસ ગામના ભાઈઓ-બહેનોએ પણ જેતપર ગામમાં ચાલતા ખેડૂત આંદોલનને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #FarmerProtest #Jetpar #NarendraModi #GujaratFarmers #SaveLand #FarmerAgitation #Tankara #Halvad #Jamnagar #Surendranagar