મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનનો સમય આજે અચાકન રેલવે વિભાગ દ્વારા કોઈપણ જાણ કર્યા વગર મોડો કરી દેવાતા મોરબીમાં અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોને સવારમાં જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબીથી જે ડેમુ ટ્રેન સવારે 6 વાગ્યે ઉપડે છે તે આજે 7-30 કલાકે ઉપડી હતી. આ ડેમુ ટ્રેન રાજકોટ ગઈ હોવાથી રાજકોટથી પરત આવતા સમય ખોરવાઈ ગયો હતો. મુસાફરો મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેન મારફતે જતાં હોય છે અને ત્યાંથી અન્ય ટ્રેનમાં મુસાફરી કરતાં હોય છે. તેથી મુસાફરો સવારે 6 વાગ્યે મોરબી સ્ટેશને પહોંચી ગયા હતા જો કે ટ્રેન મોડી આવતા અનેક મુસાફરોને ટાઈમ ટેબલ ખોરવાઈ ગયા હતા અને લાંબા અંતરની ટ્રેન પણ ચુકી ગયા હતા જેથી ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે જે ટ્રેન 6 વાગ્યે મોરબીથી ઉપડે છે તે 7-30 કલાકે ઉપડી હતી અને 7-30 વાગ્યે જે મોરબી ડેમુ ટ્રેન આવે છે તે પણ 8 વાગ્યાની આસપાસ પહોંચી હતી અને મોરબીથી જે ડેમુ ટ્રેન 8 વાગ્યે ઉપડતી હતી તે હવે 8-30 વાગ્યે ઉપડશે. આમ રેલવે તંત્ર દ્વારા કોઈપણ જાણકારી વિના જ ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરી નાખતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.