એક બેઠક માટે 15 થી 20 દાવેદારો હોય પણ ટિકિટ માત્ર 1 ને મળે, ટીકીટ ન મળી હોય તેઓને પક્ષના કામે લાગી જવા અપીલમોરબી: મોરબીમાં ભાજપના ઉમેદવારોની જાહેરાત બાદ ટિકિટ ન મળવાથી નારાજ થયેલા કાર્યકરો અને આગેવાનો અંગે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી છે. તેઓએ ટિકિટથી વંચિત રહેલા કાર્યકર્તાઓની માફી માંગી છે અને ડેમેજ કંટ્રોલ કરતા સૌને સાથે મળીને મોરબીના વિકાસ માટે કામ કરવા અનુરોધ કર્યો છે.મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારો માટે કમળનું નિશાન જ મહત્વનું છે. ચૂંટણીમાં ટિકિટ માંગનારાઓની સંખ્યા વધુ હોય છે. એક વોર્ડમાં 15 થી 20 દાવેદારો હોય છે, જેમાંથી માત્ર 1 જ વ્યક્તિને ટિકિટ ફાળવી શકાય છે. બધાને ટિકિટ ન મળી શકવા બદલ હું એક મંત્રી તરીકે તમામ કાર્યકર્તાઓની ક્ષમા માંગુ છું. 40 વર્ષથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરતા જૂના કાર્યકર્તાઓને ટિકિટ ન મળ્યાનો મને પણ ખેદ અને દુઃખ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્ટીએ 20 જેટલા વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપીને સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. મારી જવાબદારી મોરબી અને કચ્છની છે, ત્યારે બંને જગ્યાએ કમળ ખીલે તેવા અમારા સતત પ્રયત્નો રહેશે. અપક્ષ તરીકે ફોર્મ ભરનાર અને નારાજગી દર્શાવનાર કાર્યકર્તાઓ અંગે સ્પષ્ટતા કરતા તેઓએ કહ્યું હતું કે, આ તમામ આપણા પરિવારના જ સભ્યો છે. દૂધમાં સાકરની જેમ ભળી જઈને અમે સૌ સાથે મળીશું અને નારાજ થયેલા સૌ કોઈને મનાવવાના પૂરા પ્રયાસો કરવામાં આવશે.#MorbiUpdate #Morbi #MorbiNews #KantilalAmrutiya #BJP #GujaratPolitics #Elections