દેશ-વિદેશના માધ્યમોએ જેના કાર્યની નોંધ લેવી પડી છે એવા મનસુખભાઇ આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે : ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલા મનસુખભાઈને ઉચ્ચ શિક્ષણ આપતી યુનિવર્સિટીઓ લેક્ચર આપવા માટે આમંત્રિત કરે છે મોરબી : 1988ની સાલમાં નાના પાયે માટીની તાવડી બનાવવાથી કારકિર્દી શરૂ કરનાર વાંકાનેરના મનસુખભાઇ રાઘવજીભાઈ પ્રજાપતિ આજે કોઈ ઓળખાણના મહોતાજ નથી. તાજેતરમાં જ મસૂરી ખાતે ભારતભરના 350થી વધુ આઇપીએસ અને આઈએએસ અધિકારીઓની એક પ્રશિક્ષણ શિબિરમાં પર્યાવરણની જાળવણી અંગેના સેશનમાં મનસુખભાઇને બે લેક્ચર આપવા માટે ખાસ વાંકાનેરથી આમંત્રિત કરાયા હતા જે વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય. 1965માં પ્રજાપતિ સામાન્ય પરિવારમાં જન્મેલા મનસુખભાઈએ પરંપરાગત માટીકામના વ્યવસાયને પોતાની કોઠાસૂઝથી અધુનિકતાનો ટચ આપ્યો. 1988માં રોટલા-રોટલી શેકવા માટે ઉપયોગમાં લેવાતી તાવડી (તવી) બનાવવાનું શરૂ કર્યું. ખૂબ જ મર્યાદિત નાણાકીય ભંડોળ સાથે શરૂ કરેલું ભગીરથ કાર્ય પછી તો વિસ્તરતું જ ગયું. ઇલેક્ટ્રિક આરોપ્લાન્ટની અવેજીમાં તેઓએ માટીનું ફિલ્ટર વિકસાવ્યું.મિટ્ટીકુલ ફ્રીજ, માટીનું પ્રેશર કુકર, નોનસ્ટિક તવી (તાવડી) સહિતની માત્ર માટીથી જ નિર્મિત વિવિધ પ્રોડકટો થકી દેશ-વિદેશમાં ખુબજ નામના મળી. તાજેતરમાં મસૂરી ખાતે ભારતના 350 જેટલા IPS અને IAS અધિકારીઓ માટેની એક પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગઈ. આ શિબિરમાં વિવિધ સેશનો પૈકી પર્યાવરણને લગતા સેશનમાં મનસુખભાઈને લેક્ચર આપવા માટે ખાસ આમંત્રિત કરાયા હતા. સવારે 10થી 11 અને બપોરે 2થી 3 વાગ્યાના સેશન દરમ્યાન માટીના વાસણો અને તેના બહોળા ઉપીયોગ દ્વારા કઈ રીતે પર્યાવરણને સહાયતારૂપ બની શકાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રાખી શકાય છે એ વિશે ઉપસ્થિત અધિકારીઓને માહિતગાર કર્યા હતા. જેમાં ખાસ કરીને લોખંડની તવીના નુકશાન સામે માટીની તાવડીનો ફાયદો, માટીના ફિલ્ટર પ્લાનથી મળતા પ્રાકૃતિક ખનીજ અને મિનરલ્સ સામે ઇલેક્ટ્રિક આર.ઓ. પ્લાન્ટના ભયાવક નુકશાન બાબતે સમજ આપી હતી. ફ્રિજમાં રાખેલા પાણી અને ખોરાકની ગુણવત્તાની સરખામણીએ માટીના ફ્રીજની ઉપીયોગીતા સાથે ઇલેક્ટ્રિક ઉત્તપન્ન કરવામાં વપરાતા કોલસાને કારણે વધતા પ્રદુષણ અંગે આંકડાકીય માહિતી આપી પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આડેધડ કપાઈ રહેલા જંગલોથી પર્યાવરણને થઈ રહેલા અકલ્પ્ય નુકશાન અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કારણોની ચર્ચા કરતા મનસુખભાઈએ, પશુના ગોબરમાંથી નિર્મિત થતા લાકડાના પોતે વિકસાવેલા મશીન વિશેની જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓએ ખૂબ સાનંદ આશ્ચર્ય અનુભવ્યું હતું. પશુઓના છાણ (ગોબર)ના ઉપયોગથી પશુ સંવર્ધનને મળતા બળ અને એ સંદર્ભે પર્યાવરણના જતનની જાણકારી મેળવી ઉપસ્થિત IPS-IAS અધિકારીઓએ મનસુખભાઈના આ કાર્યને સામુહિક બિરદાવ્યું હતું. મસૂરીની આ કાર્ય શિબિરમાં મનસુખભાઈએ, પ્લાસ્ટિકના બિલકુલ ઉપયોગ કર્યા વગર માત્ર માટીથી જ નિર્મિત રોજિંદી ઉપયોગમાં આવતી વિવિધ ચીજ-વસ્તુઓનું પ્રદશન ગોઠવ્યું હતું. જેમાં કુદરતી ઠંડક આપતી પાણીની બોટલ, માટીનું ફ્રીજ, માટીનું વોટર ફિલ્ટર મશીન, નોન સ્ટીક તવી જેવા ઉત્પાદનોએ ઉચ્ચ અધિકારીઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મનસુખભાઈએ 85 ઉપરાંત એવોર્ડ, સન્માન પત્રો, મેળવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા રૂરલ સાયન્ટિસ્ટ એવોર્ડ તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે. ડિસ્કવરી ચેનલ, નેશનલ જિયોગ્રાફી, આઈબીએન-7, બીબીસી વર્લ્ડ, મેગેજીન ઇન્ડિયા, ધ ઇકોનોમિક્સ ટાઈમ્સ જેવી ચેનલ અને પ્રિન્ટ મીડિયાએ સમયાંતરે મનસુખભાઈની નોંધ લીધી છે. 'કોન બનેગા કરોડ પતિ' ટીવી શોમાં અમિતાભ બચ્ચને પણ મનસુખભાઈની કોઠાસૂઝને સલામ કરી તેઓને દેશ વિદેશમાં ભારે ખ્યાતિ અપાવી હતી. વાંકાનેર જેવા એક નાના ટાઉનમાંથી પોતાના ભગીરથ પુરુષાર્થથી દેશ-વિદેશમાં પોતાનું અને વાંકાનેરનું નામ રોશન કરનાર મનસુખભાઈ આજના દરેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન વ્યક્તિત્વ છે.