ભાજપના અગ્રણીઓ દ્વારા ખેસ પહેરાવીને કારકિર્દીને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ : કાર્યવાહીની માંગ મોરબી : મોરબીના પાસ આગેવાન મનોજ પનારાને ભાજપના અગ્રણીઓ ખેસ પહેરાવતા હોય તેવા ફોટા વાયરલ થયા હતા. આ મામલે મનોજ પનારાએ પોલીસ અરજી કરી ભાજપ અગ્રણીએ જબરદસ્તી ખેસ પહેરાવીને કારકિર્દીને નુકશાન પહોચાડ્વાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર મનોજભાઈ પનારાએ એ ડિવિઝન પીઆઇને અરજી કરી હતી કે તેઓ વાવડી રોડ પરથી જઇ રહ્યા હતા ત્યારે ભાજપ અગ્રણીઓ ઉમેદવાર સાથે પ્રચાર અર્થે નીકળ્યા હતા. જેથી ખેલદિલીથી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ આ વેળાએ પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરે ગળા પર જબરદસ્તીથી ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. આ સમયે કોઈ કાર્યકર્તાએ ફોટા પાડીને વાયરલ કરી દીધા હતા. વધુમાં મનોજ પનારાએ કહ્યું કે ભાજપ અગ્રણીએ આ પ્રકારનું કૃત્ય કરીને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. આ ઘટનાથી સામાજિક જીવનમાં પણ મોટું નુકસાન થયું છે. આ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.