મનોજ પનારા સંઘના જુના કાર્યકર છે એટલે આનંદ કરવા એના ખંભે ખેસ નાખ્યો તો : હંસાબેન ઠાકર આનંદમાં મસ્તી મજાક કરતા હતા તે વેળાએ કોઈએ ફોટો પાડીને વાયરલ કરી નાખ્યા હોવાનું પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરનું નિવેદન મોરબી : પાસ કન્વીનર મનોજ પટેલના ગળા પર ભાજપનો ખેસ હોય તેવા ફોટા વાયરલ થવા મામલે મનોજ પનારાએ આ ઘટના અંગે પોલીસમાં અરજી કરી પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરે તેમના ગળામાં બળજબરી પૂર્વક ભાજપનો ખેસ નાખ્યો હોવાનું જણાવી આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે પાસ આગેવાન મનોજ પનારાને ખેસ પેહરાવનાર ભાજપના મહિલા આગેવાન અને પૂર્વ પાલિકા પ્રમુખ હંસાબેન ઠાકરે જણાવ્યુ હતું કે મનોજ પનારા સંઘના જુના કાર્યકર છે એટલે આનંદ કરવા મે એના ખંભે ખેસ નાખ્યો હતો. ત્યાં કોઈએ ફોટા પાડીને વાઇરલ કરી નાખ્યા હતા. મોરબીના પાસ કન્વીનર મનોજ પનારા ભાજપ અગ્રણીઓ સાથે ઉભા હોય અને તેઓના ગળામાં ભાજપનો ખેસ પહેરેલો હોય તેવા ફોટા વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા હતા. આ મામલે પાસ કન્વીનર મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું કે તેઓ ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલા ભાજપના ઉમેદવારને અભિનંદન પાઠવવા ગયા હતા અને ત્યાં હંસાબેન ઠાકરે જબરદસ્તીથી તેઓને ગળામાં ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો. ઉપરાંત મનોજ પનારાએ આ મામલે પોલીસને અરજી કરીને કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. ત્યારે સામાપક્ષે પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરે બનાવ સંદર્ભે જણાવ્યું કે મનોજભાઈ પનારા સંઘના જુના કાર્યકર્તા છે. એટલે મે તો આનંદમાં તેઓના ખંભે ખેસ નાખ્યો હતો. આ તકે તેઓએ મનોજભાઈને એમ પણ કહ્યું હતું કે આવી જાવ ભાજપમાં. આ સમગ્ર બાબત માત્રને માત્ર હસી મજાકમાં બની છે.