વાંકાનેર : તાજેતરમાં મેંગોપીપલ પરિવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત વાંકાનેરમાં ભાટીયા સોસાયટી, ચંદ્રપુરમાં આવેલ સરકારી શાળાની દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ મુસ્કાનના ફાઉન્ડર રૂપલબેન તથા પ્રોજેક્ટ હેડ મોનાબેન રાજવીર દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરિક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવી હતી. ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડની માહિતી દીકરીઓને આપવામાં આવી હતી. મેંગોપીપલ પરિવારના મનીષભાઈ રાઠોડ, રુપલબેન રાઠોડ, મોનાબેન રાજવીર, શાળાના આચાર્ય અતુલભાઈ બુદ્ધદેવ તથા શાળાના સ્ટાફગણ પ્રતિમાબેન પઢીયાર, કાજલબેન જેઠવા, શિલ્પાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાલ વિભાગના રાજદીપભાઈ પરમાર, વન સ્ટોપ સેન્ટરના ઇન્ચાર્જ ડિમ્પલબેન પઠાડ તથા મહિલા સહાયતા કેન્દ્રના તેજલબેન ગઢવી ઉપસ્થિત રહી મેંગોપીપલ પરિવારના કાર્યની સરાહના કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.ઉલ્લેખનીય છે કે, મેંગોપીપલ પરિવાર છેલ્લા 11 વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે. ઉપરાંત સંસ્થા છેલ્લા 7 વર્ષથી ' પ્રોજેક્ટ મુસ્કાન ' દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને રાજકોટ, જામનગર, વાંકાનેર ઉપરાંત હવે તો મોરબીમાં પણ નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.