મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબીએ આપણી પ્રાચીન પરંપરા જાળવી રાખી છે. આ પ્રાચીન ગરબી એ 32 વર્ષ પૂર્ણ કરી 33 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આધુનિક યુગમાં જ્યારે અર્વાચીન રાસોત્સવોનો જબરો ક્રેઝ છે ત્યારે છેલ્લા ૩૨ વર્ષથી પ્રાચીન પરંપરા જાળવી રાખતી મોરબીના વરીયા માતાજીનાં સાનિધ્યમાં વરીયા પ્રજાપતિ ગરબી મંડળનો આ વર્ષ ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહયો છે. આ ગરબીની એક વિશેષતા એ છે કે ઢોલના તાલે અહીં માત્ર ને માત્ર પ્રાચીન ગરબા, સ્તુતિ, દુહા-છંદો દ્વારા નવે નવ નોરતામાં માતાજીની આરાધના કરવામાં આવે છે. નવલી નવરાત્રી દરમ્યાન પ્રજાપતિ સમાજના કલાકારો અહીં માતાજીના ગુણગાન ગાય છે અને પ્રજાપતિ સમાજ સહિત દરેક સમાજની બહેનો, દીકરીઓ, માતાઓ ગરબે ઘૂમે છે. આઠમના દિવસે સમસ્ત પ્રજાપતિ સમાજની સુખ, શાંતિ અને સમાજની એકતા અને ભાઈચારાની ભાવના કાયમ રહે એવા શુભ સંકલ્પ સાથે વરિયા માતાજીને ગુગલ ઘીની આહુતિ આપી ખીરનો પ્રસાદ ધરવામાં આવે છે. આ યજ્ઞમાં સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો આહુતિ આપે છે. ખરેખર આ ગરબીની એક વખત મુલાકાત કરવા જેવી છે. જેમાં પ્રાચીન પરંમપરાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. માં વરિયા માતાજીના આંગણે ઉજવાતી આ નવરાત્રીમાં તમામ કાર્યકરો અને સંચાલકોનો અદભુત સહયોગ જોવા મળે છે.