આજે જન્માષ્ટમીએ મેળામાં પગ મુકવાની જગ્યા ન હોય તેટલી ચિક્કાર જનમેદની ઉમટી, હજારો લોકોએ મેળાની મનભરીને મોજ માણી , બે વર્ષ બાદ મેળો યોજાતા અને આજે વરાપ હોવાથી મેળામાં ચારેકોર નિર્દોષ આનંદની છોળો ઉડી મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે ક્રિષ્ના લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જન્માષ્ટમીના દિવસે આ મેળાની રંગત ખીલી ઉઠી હતી. આજે જન્માષ્ટમીએ મેળામાં પગ મુકવાની જગ્યા ન હોય તેટલી ચિક્કાર જનમેદની ઉમટી હતી અને હજારો લોકોએ મેળાની મનભરીને મોજ માણી હતી. મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળા નામના જાહેર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાંધણછઠના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ઉદ્ધઘાટન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે સાતમના દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપનો મોરબીવાસીઓ તેમજ આસપાસની જનતા માટે જન્માષ્ટમીનો એકમાત્ર સુરક્ષિત લોકમેળો હોવાથી આજે જન્માષ્ટમીના દિવસે હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડી હતી. જો કે બે વર્ષ બાદ મેળો યોજાતા અને આજે વરાપ હોવાથી મેળામાં ચારેકોર નિર્દોષ આનંદની છોળો ઉડી હતી. લોકમેળામાં સુરક્ષાનો ખાસ પ્રબંધ કરવામાં આવ્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા ઉપરાંત અદ્યતન પાર્કિગ, તેમજ વરસાદને કારણે ગારા કીચડ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદ હોય પણ આજે આખો દિવસ વરાપ રહ્યો હતો. આથી મેળામાં ચારેકોર આનંદ ઉલ્લાસ અને હર્ષની કિકીયારી સાથે નિર્દોષ આનંદની છોળો ઉડી હતી. જન્માષ્ટમીના આજે સવારથી માનવ મહેરામણ હિલોળે ચડ્યો હતો. જેમ જેમ દિવસ આજે પસાર થતા એમ એમ લોકોની સંખ્યા વધીને આ મેળામાં પગ મુકવાની જગ્યા ન બચી હોય તેટલી મેદની ઉમટી પડી હતી અને હજુ જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડ હોવાથી કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે આ મેળામાં મોડી રાત્ર સુધી મોટી સંખ્યામાં લોકો મેળો માણશે.