એક્ટિવા કાઢી આપવાને બહાને મિત્રતા કરનાર ધર્મના ભાઈએ બીજા શખ્સ સાથે સગીરાની મિત્રતા કરાવી, તે શખ્સે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું, શખ્સે સગીરાને રોઝા રાખવા પણ દબાણ કર્યું હતું મોરબી : મોરબીમાં બે વર્ષ પૂર્વે સ્કૂલમાં એક્ટિવા કાઢી આપવાને બહાને સગીરા સાથે પરિચય કેળવી ધર્મનો ભાઈ બનેલા શખ્સે પોતાના મિત્ર સાથે ફ્રેન્ડશીપ કરાવી આપ્યા બાદ આ સાતીર દિમાગી શખ્સે સગીરાને રોઝા રાખવા દબાણ કરી માતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારવાના અતિ ચકચારી બનાવમાં મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતે આરોપીને આજીવન કેદની સજાની સાથે 25 હજાર દંડ ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2023મા મોરબી શહેરમાં રહેતી અને ધોરણ 10મા અંગ્રેજી માધ્યમમાં નામાંકિત શાળામાં અભ્યાસ કરતી સગીરાનું એક્ટિવા વાહનો વચ્ચે ફસાઈ ગયુ હોવાથી મદદ કરવાને બહાને મુસ્લિમ શખ્સે એક્ટિવા કાઢી આપી સગીરાને બેન બનાવી સ્નેપચેટ આઈડી મેળવી લઈ સંબંધ કેળવ્યો હતો.બાદમાં સગીરા જેને ભાઈ સમજતી હતી એ જ શખ્સે લિવરપુલ નામના શોરૂમમાં કામ કરતા અને કાલિકા પ્લોટમાં રહેતા આરોપી મુસ્તુફા સાજીદભાઈ દલવાણી ઉ.19 સાથે સગીરાનો પરિચય કરાવી ફ્રેન્ડશીપ કરાવી સ્નેપચેટ આઇડીની આપલે કરાવી હતી. બીજી તરફ આરોપી મુસ્તુફા સાજીદભાઈ દલવાણીએ સગીરા સાથે સ્નેપચેટ મારફતે વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી અને રવાપર રોડ ઉપર આવેલ લિવરપુલ શોરૂમમાં બોલાવી ચેનજિંગ રૂમમાં લઈ જઈ ફોટા પાડી લઈ બાદમાં બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને આરોપી મુસ્તુફા શોરૂમ બાદ જોય એન્ડ જોય નામના પાર્લરમાં લઈ ગયો હતો જ્યાં એકાંતમાં દુષ્કર્મ ગુજારી જો કોઈને વાત કરશે તો સગીરાની માતાને મારી નાખશે તેવી ધમકી આપી સગીરાને રમઝાન માસમાં રોઝા રાખવા પણ દબાણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, સગીરાના પિતાનું કેન્સરની બીમારીને કારણે ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ થયું હોય સગીરાના માતા ઉપર જ ગુજરાન ચાલતું હતું. દરમિયાન સગીરાના પિતરાઇ ભાઈને સગીરાના પ્રેમસંબંધ અંગે જાણ થતાં આ બાબતે તેને સગીરાના માતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને સગીરાના માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. આ ગંભીર બનાવના પોલીસની જીણવટ ભરી તપાસ અને સરકારી વકીલ એસ.સી.દવે તેમજ એન.ડી.કારીયાની ધારદાર દલીલો બાદ સ્પેશિયલ પોકસો કોર્ટ અને એડિશનલ સેસન્સ જજ કમલભાઈ રસિકલાલ પંડ્યાએ આરોપી મુસ્તુફા સાજીદભાઈ દલવાણીને આજીવન કેદની સજા તેમજ 25 હજારનો દંડ ફટકારતો હુકમ કરી સગીરાને 4 લાખ રૂપિયા વળતર ઉપરાંત આરોપી દંડની રકમ ભરે તે 25 હજાર મળી 4.25 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.