સુરત પોલીસની તપાસમાં મોરબીની જે.કે.હોટલ અને મહેશ હોટલમાં ખોટા નામે રોકાવા સબબ સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કર્યો મોરબી : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપની પ્રતિષ્ઠા ખરડાઈ તેવો વીડિયો બનાવી રૂપિયા 8 કરોડની ખંડણી માંગનાર શખ્સ વિરુદ્ધ સુરતમાં ગુન્હો નોંધાયા બાદ તા.25 જુલાઈના રોજ આ શખ્સ પકડાઈ જતા પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ મોરબીની જે.કે.હોટલ અને મહેશ હોટલમાં ગુન્હો આચર્યા બાદ ખોટા નામે ખોટુ આધારકાર્ડ રજૂ કરી આશરો મેળવ્યો હોવાની કબૂલાત આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સો વિરુદ્ધ નામજોગ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ભારે ખમ્મ કલમો મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજકોટના સરધાર ગામના વતની અને હાલમાં ઘર નં.-બી/૪૩ દિપમાલ બંગ્લોઝ ઓલ્ડ કેડીલારોડ, ઘોડાસર, જગદિશ સોસાયટી, પાછળ અમદાવાદ હાલ રહે. ઘર નં- સી/૩૧ રાધા સ્વામી રો હાઉસ ચાણકીયપુરી ઘાટલોડીયા, અમદાવાદ ખાતે રહેતા જીનેન્દ્ર ભરતભાઇ શાહ ઉ.25 નામના શખ્સે ભાજપ પાર્ટી ગુંડાઓની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી હોવાનું જણાવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશે અપમાનજનક ટિપ્પણી કરતો વીડિયો બનાવી રૂપિયા 8 કરોડની ખંડણી માંગી હતી અને બાદમાં સોશ્યલ મીડિયામાં આ વીડિયો વાયરલ કરતા સુરત પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. બાદમાં ગુન્હો નોંધાતા પોલીસ કાર્યવાહીથી બચવા જીનેન્દ્ર નાસતો ફરતો હતો એ દરમિયાન સુરત પોલીસે આરોપીને તા.25 જુલાઈના રોજ ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવતા આરોપીએ પોતાની ઓળખ છુપાવી ખોટા પુરાવાઓ સાથે મોરબીની હોટલમાં રોકાયાની કબૂલાત આપી હોવાની મોરબી પોલીસને જાણ કરતા મોરબી સીટી એ ડિવિઝન પીએસઆઇ અશોકભાઇ વી. પાતળીયાએ આરોપી જીનેન્દ્ર શાહ અને ખોટા આધરકાર્ડની વ્યવસ્થા કરી આપનાર વિજયસિંહ રજપૂત તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ આઇપીસી કલમ ૨૧૨, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી,૩૪ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. વધુમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાસે ખંડણી માંગી વીડિયો વાયરલ કરનાર આરોપી જીનેન્દ્ર શાહ મોરબી શહેર જેલ રોડ ઉપર આવેલ હોટલ જે. કે. તથા શનાળા રોડ ઉપર આવેલ હોટલ મહેશમા નિલેશ નારણભાઇ પોશીયા રહે.જુનાગઢ વાળાના નામનું આધારકાર્ડ રજુ કરી પોતે જ નિલેશ નારણભાઇ પોશીયા હોવાની ખોટી ઓળખ આપી હોટલોના રજીસ્ટ્રરમાં નિલેશ નારણભાઇ પોશીયાના નામની અંગ્રેજીમાં સહી કરી આઇડી પ્રુફ પોતાના નામનું નહી હોવા છતાં પોતાની ઓળખ છુપાવવા તેનો ખરા તરીકે ઉપયોગ કરી 15 દિવસ જેટલા સમય સુધી રોકાયો હોવાનું ખુલવા પામ્યું છે. હાલમાં પોલીસે આ મામલે ગુન્હો નોંધી આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.