સાત વર્ષ પૂર્વે પરિણીતાએ ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો હતો આપઘાત : કેસમાં સાસુ, દિયર અને નણંદનો નિર્દોષ છુટકારોમોરબી : મોરબીમાં સાત વર્ષ પૂર્વે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ કેસમાં કોર્ટે પતિને તકસીરવાન ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી છે. જ્યારે સાસુ, દિયર અને નણંદનો નિર્દોષ છુટકારો થયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર લલિતાબેન ધર્મેન્દ્રભાઈ પોપટે તા.૨૬/૦૫/૨૦૧૮ ના રોજ નવલખી રોડ ઉપર પરશુરામ મંદીર સામે આવેલ રેલ્વે ટ્રેક ઉપર પડતુ મુકી આપઘાત કર્યો હતો. જે મામલે પરિણીતાના પિયર પક્ષે મહેન્દ્રપરા શેરી નં.૧માં રહેતા પરિણીતાના પતિ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટ ઉ.વ. ૪૦, સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ ઉ.વ.૬૨, દિયર રાહુલભાઈ મથુરાદાસ પોપટ ઉ.વ. ૩૦ અને હાલ મુંબઈ સાસરે રહેતા તેમના નણંદ ચાંદનીબેન મીતેષભાઈ ઠકકર ઉ.વ.૩ર સામે ફરિયાદ નોંધાવી હતી કે પરિણીતાને સંતાન ન થતા હોય તે બાબતે સાસરા પક્ષ દ્વારા અવાર નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબીના સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા તેઓએ પતિ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારી છે. જ્યારે સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, દિયર રાહુલભાઈ મથુરાદાસ પોપટ અને નણંદ ચાંદનીબેન મીતેષભાઈ ઠકકરને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ આપ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી. જાની રોકાયેલ હતા.