વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ દુધની ડેરીમાં અજાણ્યા તસ્કરે ડેરી સંચાલકની નજર ચૂકવી 1.94 લાખની રોકડ તેમજ ચેકબુક સહિતની વસ્તુઓ સાથેનો થેલો ચોરી કરી લીધો હતો. પોલીસે આ શખ્સને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મ ધરાવતા ફરિયાદી લીંબાભાઈ કરશનભાઇ સરૈયા ઉ.45 નામના વેપારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ડેરીએ હતા ત્યારે સવારના સમયે કોઈ અજાણ્યો તસ્કર ડેરીના કાઉન્ટર ઉપર પડેલ થેલો ચોરી ગયો હતો. આ થેલામાં રોકડા રૂપિયા 1.94 લાખ તેમજ બેંકની પાસબુક અને બીલબુક સહિતની ચીજવસ્તુઓ હોય ચોરીની આ ઘટના અંગે પોલીસે લીંબાભાઈની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. બાદમાં પોલીસે થેલા સાથે આફતાબ હસનભાઇ બેલીમ ઉ.વ.૨પ હાલ રહે.હસનપરવાળાને નેશનલ હાઇવે પર હસનપર બ્રીજ પાસે પંચાસર તરફ જતા રોડ ઉપરથી પકડી લીધો છે. આ શખ્સ પાસેથી રૂ.1.94 લાખની રોકડ, ચેકબુક અને બીલબુક કબ્જે લેવામાં આવી છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ બી.વી.પટેલ, પીએસઆઈ જે.એલ.ઝાલા, પો.હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ. રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.