ગત રાત્રીના એક વેપારી સાથે ઝપાઝપી કરી પૈસાનો થેલો ઝૂંટવીને શખ્સ નાસી ગયો હતોમોરબી : મોરબીના શનાળા પાસે એક વેપારી પાસેથી રૂ.3.5 લાખની રોકડની લૂંટ ચલાવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ શખ્સને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શક્ત શનાળામાં લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાછળ શીવમ હાઇટસની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભાણભાઈ સુરાણી (ઉ.વ. ૪૭)એ આરોપી તેમના જ ગામના વિશાલ વેલજીભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ મોરબીના નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે દુકાનેથી રાત્રીના પોણા નવેક વાગ્યાના સમયે દુકાન બંધ કરીને પોતાનુ બાઇક લઇને ઘરે આવવા નીકળેલ હતા. ત્યારે ધંધા માટે રૂપિયાની જરૂરીયાત હોય મિત્ર હરીભાઈ કાવર પાસેથી જીઆઈડીસીના નાકેથી રૂ.4 લાખ લીધા હતા. જેમાંથી રૂ.30 હજાર લીમડાવાળા મેલડી માતાના મંદીર પાસે આવેલ બજરંગપાન વાળા કેતનભાઈને આપ્યા હતા. બીજા રૂ.20 હજાર ખિસ્સામાં રાખ્યા હતા.આ દરમિયાન એક શખ્સે પાછળથી આવી હાથમા રહેલ થેલો અચાનક બળજબરી પુર્વક ઝુટવતાં બંને વચ્ચે ઝપાઝપી થયેલ હતી. આરોપી તેમના ગામનો વિશાલ વેલજીભાઈ રબારી હોય અને તે હાથમાથી રૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો લઈને નાસી ગયો હતો. ફરિયાદના આધારે તપાસ ચલાવી પોલીસ દ્વારા આ આરોપીને પકડી લેવામાં આવ્યો છે. સાંજે આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવાયું હતું અને માફી મંગાવવામાં આવી હતી.