રવાપર ગામની 3 એકર 39 ગુંઠા જમીન હડપ કરવાના કૌભાંડ સામે પોલીસની કડક કાર્યવાહી મોરબી : મોરબીના રવાપરમાં કિંમતી જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી પોલીસે તે શખ્સને પકડી પાડી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ફરિયાદી દેવજીભાઈ જીણાભાઈ ચાવડા ઉ.વ.72 રહે. વજેપર વાડી વિસ્તારવાળાની માલિકીની રવાપર ગામની સર્વે નંબર 26/3ની એ-3-39 ગુઠા હે.ચો.મી. 1-60-86 વાળી જમીનને ભળતા નામ વાળા ખોટા વ્યક્તિએ પૂર્વ આયોજીત કાવતરું રચીને ખોટા દસ્તાવેજ બનાવી તેમજ ખોટા આઈડી પ્રુફ અને ખોટા ફોટોગ્રાફ ઉભા કરી જમીન પચાવી પાડી હતી. આ મામલે ચોક્કસ માહિતી મળી હતી કે વિશ્રામ જગમલ મિસ્ત્રી રહે. દબડા રોડ, મફતિયાપરા, અંજારવાળાએ આ કૌભાંડ આચર્યું છે. તેને પોતાના આધારકાર્ડ નંબર 2563 6451 1432માં દેવજીભાઈ જીણાભાઈ ચાવડાનું નામ એડિટ કરી ખોટું આધારકાર્ડ બનાવેલ હતું. જેમાંથી ખાનગી રાહે તપાસ કરાવતા આરોપી મળી આવ્યો હતો. અને તેની પૂછપરછ કરતા તેનું સાચું નામ ભરતભાઇ વ્રજલાલભાઈ પરમાર ઉર્ફે દેવજીભાઈ ચાવડા ઉર્ફે વિશ્રામ જગમલ મિસ્ત્રી ઉ.વ.63 રહે. હાલ અંજાર મૂળ જામખંભાળીયા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ આરોપીની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, એએસઆઈ સુરેશભાઈ ઠોરિયા, ફારૂકભાઈ પટેલ, રવિભાઈ લાવડીયા તથા જયેશભાઇ બાલાસરા સહિતના જોડાયા હતા.