અનુસૂચિત જાતિ સમાજને ફાળવવામાં આવેલ જમીનમાં અન્ય લોકોના નામ ઘુસી ગયા : અનેક ગોટાળાઓને લઈને કાર્યવાહી થવાના એંધાણટંકારા : ટંકારા તાલુકાના બહુચર્ચિત સાંથણી હેઠળ ફાળવવામાં આવેલ જમીનના મૂળ હુકમમાં અને રેકર્ડમાં ચેડા થયાના ગંભીર આરોપો સાથે મૂળ સાંથણીદારના વારસદાર દ્વારા લાંબા સમયથી કાનૂની લડત આપવામાં આવતા અંતે આ ચકચારી જમીન કૌભાંડમા મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ટંકારા મામલતદાર પી.એન. ગોર દ્વારા વડી કચેરીને રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે તત્કાલીન મદદનીશ કલેકટર મોરબી દ્વારા થયેલ હુકમોમાં ચેડાં કરવાની સાથે બોગસ હુકમો ઉભા કરવા આવ્યા છે.ઉપરાંત ગામ દફતરમાં નોંધોની વિસંગતતાઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. ખાસ કરીને ટંકારા ગામમાં સાંથણી હેઠળ ફાળવેલ જમીનનો મુળ હુકમ સ્થાનિક રેકર્ડમાં ઉપલબ્ધ નથી. જેમાં પ્રથમ સુધારા હુકમ તા. ૧૭/૦૭/૧૯૬૮નો છે, જેમાં ૩૮ સાંથણીદારોનો ઉલ્લેખ છે, પરંતુ ગામ દફતરમાં માત્ર ૨૫ નોંધો દાખલ થયેલ છે. વધુમાં અરજદાર બી.એલ.સોલંકી દ્વારા વારંવાર કરવામાં આવેલ રજુઆતમાં જણાવાયું છે કે, તેમના પિતા લાલાભાઈ પમાભાઈનો રજી. નં. ૫૦૦ પર ઉલ્લેખ છે, પરંતુ મુળ હુકમની નોંધમાં નામ નથી. સાથે જ જ્ઞાતિ આધારિત ફાળવણીમાં વિસંગતતા હોવાનું જણાવી સુધારા હુકમમાં અનુસૂચિત જાતિ માટે જમીન ફાળવણીનો ઉલ્લેખ હોવા છતાં, બિન અનુસૂચિત જાતિના વ્યક્તિઓને જમીન ફાળવણી થઈ છે જેમાં હિરાદાસ પોપટદાસ વગેરે નામ ઉલ્લેખિત કરાયા છે.સાથે જ સાથણીના આ જમીન કૌભાંડમાં સુધારા હુકમ બાદ પાછળથી નામ ઉમેરાયા છે કે કેમ તેની ખરાઈ મુળ રેકર્ડથી જ થઈ શકે તેમ હોવાનું જણાવી પ્રાંત અધિકારીની કચેરીમાં ઉપલબ્ધ રેકર્ડને આધારે તપાસ જરૂરી હોવાનું જણાવાયું છે. સાથે જ નોંધોના ક્રમ અને વિલંબ, પ્રથમ સુધારા હુકમ તા. ૧૭/૦૭/૧૯૬૮ની નોંધ ૧૦ વર્ષ બાદ તા. ૨૮/૦૯/૧૯૭૮થી દાખલ થયેલ છે. બીજા સુધારા હુકમ (તા. ૩૦/૦૭/૧૯૭૧)ની નોંધ નં. ૨૧૦૨થી અગાઉ દાખલ થયેલ હોવાથી નોંધોના ક્રમમાં વિસંગતતા જણાય છે. ત્રીજા સુધારા હુકમ (તા. ૧૪/૧૨/૧૯૭૩)માં અગાઉના હુકમોમાં ન હોય તેવા પાંચ નવા નામોનો ઉલ્લેખ છે, જે લાભાર્થીઓની યાદીમાં વિસંગતતા દર્શાવે છે.આ ઉપરાંત અરજદાર બી.એલ.સોલંકીના પિતાને ફાળવેલ જમીનના સર્વે નંબરમા પણ વિસંગતતા છે. જેમાં લાલાભાઈ પમાભાઈને સ.નં. ૨૬૪ ફાળવવામાં આવેલ, જે પછીથી સ.નં. ૭૩૧માં બદલાયો અને ક્ષેત્રફળ એ. ૫-૦૦થી એ. ૩-૨૪ ગુંઠા કરાયું હોવાનું તેમજ શરતભંગની નોટીસ અને તા. ૧૨/૧૨/૨૦૦૦ના હુકમમાં મુળ સ.નં. ૨૬૪નો ઉલ્લેખ અને ક્ષેત્રફળમાં વિસંગતતા જોવા મળે છે. હયાતીમાં વારસાઈ થયેલ હોવાનો ખોટો ઉલ્લેખ હોવાનું જણાવાયું છે. આ ગંભીર બાબતે તત્કાલીન તલાટીમંત્રી દમયંતિબેન નિરંજની લઈ ગયા હોવાનું અને પરત ન આપ્યાનું રેકર્ડ ઉપર જણાય છે. આ અંગે તેમની વિરુદ્ધ કાર્યવાહી માટે તાલુકા વિકાસ અધિકારી ટંકારાને જણાવાયું છે.આમ ધણા લાંબા સમયથી ગાજતા ટંકારાના સાંથણી જમીન મુદે મામલતદારે ધગમગતો રિપોર્ટ કરતા પંથકમાં અનેક ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન તલાટી દમયંતીબેન નિરંજની હાલે મોરબી જીલ્લા કોંગ્રેસ મહિલા મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે ત્યારે અરજદારના આક્ષેપ અને તંત્ર દ્વારા ધગમગતો રિપોર્ટ કરતા આ મુદો જીલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.