વર્ષો જૂનો રસ્તાનો પ્રશ્ન હલ થતા ખેડૂતોએ મામલતદારનો આભાર વ્યક્ત કર્યો માળિયાઃ મોરબી જિલ્લાના માળિયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના ખેડૂતોનો વર્ષો જૂનો રસ્તાનો પ્રાણ પ્રશ્ન હલ થઈ જતાં આજ રોજ ગામના ખેડૂતોએ મામલતદારનો કચેરીએ જઈને આભાર વ્યક્ત કર્યો હતો. લક્ષ્મીવાસ ગામમાં છેલ્લા 20 થી 25 વર્ષથી હારમારના માર્ગનો પ્રશ્ન યથાવત હતો. ખેડૂતોએ અગાઉ અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવતું ન હતું. પરંતુ માળિયા તાલુકાના મામલતદાર ડી.સી. પરમાર દ્વારા સુઝબુઝથી તમામ ખેડૂતોને સાથે રાખીને કોઈ ખેડૂતની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખીને ખેડૂત ખાતેદારોનો આ પ્રાણ પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. જેથી લક્ષ્મીવાસ ગામના ખેડૂત ખાતેદારો આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદાર ડી.સી. પરમારનું પુષ્પગુચ્છ અને ભેટ સોગાદ આપી મો મીઠું કરાવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લક્ષ્મીવાસ ગામના વતની અને હાલ મોરબી રહેતા જિલ્લા યુવા ભાજપના ઉપ પ્રમુખ જયદીપભાઈ સંઘાણીનો પણ લક્ષ્મીવાસ ગામના ખેડૂતોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.