ધોળા દિવસે કેનાલ ઉપર જીગરીયા મૂકી ઉદ્યોગોના ટેન્કરો દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોવા છતાં અધિકારીઓનું મૌન મોરબી : મોરબી જિલ્લામાં માળીયા બ્રાન્ચ કેનાલમાં હાલમાં નર્મદા કેનાલના પાણી ખળખળ વહી રહ્યા છે ત્યારે અધિકારીઓની મીઠી નજર હેઠળ આ કેનાલમાંથી જીગરીયા એન્જીન મૂકી છડેચોક પાણી ચોરી કરવામાં આવતી હોવા છતાં કશા જ પગલાં ન લેવાતા આશ્ચર્ય સર્જાયું છે. મોરબી જિલ્લાના માળીયા નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી દિવસ-રાત ઉદ્યોગો માટે ટેન્કર મારફતે પાણી ચોરી કરવામાં આવતા ખેડૂતો દ્વારા તંત્રની બેધારી નીતિ સામે આવાજ ઉઠાવી પાણીચોરીના વરવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને માણાબા અને સુલતાનપુર ગામ વચ્ચે આવેલી કેનાલમાંથી મોરબીના ઉદ્યોગો માટે જીગરીયા એન્જીન મૂકી કેનાલમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે છતાં પણ નર્મદા કેનાલના અધિકારીઓ આ મુદ્દે કોઈ જ પગલાં લેતા ન હોય ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયામાં આવાજ ઉઠાવવામાં આવ્યો છે.