જર્જરિત સંપનું ધાબુ તૂટી જતાં ખુલ્લા સંપમાં કચરો પડવાની ભીતિ: રોગચાળો ફાટી નીકળવાની ભયાનક દહેશતમાળિયા (મિયાણા) (મોરબી અપડેટ) : માળિયા (મિયાણા) તાલુકાના ખીરઈ ગામે આવેલા પીવાના પાણીના સંપની ભારે દુર્દશા સામે આવી છે. પાણીના સંપનું ઉપરનું ધાબુ તૂટીને ખુલ્લું થઈ ગયું હોવાથી ખાખરેચી ગ્રામજનોને અત્યંત ડહોળું અને દૂષિત પાણી વિતરીત કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. સંપનું છત ખુલ્લું હોવાને કારણે અંદર અત્યંત ડહોળું અને અસ્વચ્છ પાણી ભરાઈ રહ્યું છે, જે જ પાણી ગામમાં વિતરીત થઈ રહ્યું છે.માળિયા તાલુકાના ખાખરેચી ગામે વિતરીત થઈ રહેલા ડહોળા અને ગંદા પાણીના મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મહેશભાઈ પારેજીયાના જણાવ્યા મુજબ, આજથી 6 મહિના પહેલાં જ્યારે તેઓ પોતે જિલ્લા પંચાયત સદસ્ય હતા, ત્યારે પણ આ ખીરઈ સંપ અત્યંત તૂટેલી અને જર્જરિત હાલતમાં હતો. આ અંગે તેમણે પાણી પુરવઠા બોર્ડમાં યોગ્ય સમારકામ કરવા માટે સત્તાવાર રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ખીરઈના સંપમાંથી પાણી આવીને સીધું ખાખરેચીના સંપમાં પહોંચે છે અને ત્યાંથી 1 કે 2 કલાક પણ રોકાયા વિના સીધું જ પાણીની ઊંચી ટાંકીમાં ચડી જાય છે. આ કારણે સંપમાં પાણી ઠરવાનો કે શુદ્ધ થવાનો સમય મળતો નથી, જેથી ખીરઈના તૂટેલા સંપમાંથી આવતું ડોળું અને અસ્વચ્છ પાણી જ સીધું લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે ખાખરેચી ગ્રામજનોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. જર્જરિત સંપનું તાત્કાલિક સમારકામ કરાવવામાં નહીં આવે તો સમગ્ર ખાખરેચી ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા વહેલી તકે આ સંપનું રિપેરિંગ કામ હાથ ધરીને ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.#MorbiUpdate #MorbiNews #Maliya #Khakhrechi #WaterSupply #DirtyWater #MaliyaMiyana #PublicHealth #WaterSump #Morbi