માળીયાના સુલતાનપુર ગામના ખેડૂતોની માનવતા માળીયા : સમગ્ર સૌરાષ્ટ્રમાં નીલગાયનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને ખેડૂતોના ઉભા મોલને નીલગાય અને રોઝ વ્યાપક નુકશાન પહોંચાડતા હોવા છતાં માળીયા મિયાણા તાલુકાના ખેડૂતોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી કેનાલમાં ડૂબતી નિલગાયને જીવના જોખમે બચાવી નવજીવન આપ્યું હતું. ખેડૂતોની માનવતા અને નીલગાયને નવજીવનની ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના સુલતાનપુર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં હાલમાં છલો - છલ પાણી વહી રહ્યું છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી પીવાની કોશિશમાં મહાકાય નીલગાય ગરક થતા નીલગાયને બચાવવા માટે ગ્રામજનોએ તંત્રને જાણ કરી હતી. જો કે સરકારી વિભાગને જાણ કરવા છતાં સવારથી સાંજ સુધી વન વિભાગ કે અન્ય એકપણ વિભાગ ન ડોકાતા અંતે ગ્રામજનોએ અબોલ નીલગાયને બચાવવા જાત મહેનતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી જીવના જોખમે નીલગાયને જાડા દોરડા વડે બાંધી કેનાલમાંથી બહાર કાઢી હતી. ઉલ્લેખનીય છે કે નીલગાય ગુસ્સા વાળી પ્રકૃતિની હોય છે અને ખુબજ તાકતવર હોવાથી સિમ વિસ્તારમાં એકલ દોકલ ખેડૂતો નીલગાયનો સામનો કરવાનું ટાળતા હોય છે ઉપરાંત ખેડૂતોના ઉભમોલ ને નીલગાય ખૂબ જ નુકશાન પહોંચાડતી હોવા છતાં સુલતાનપુર ગામના ખેડૂતોએ માનવતા મહેકાવી આજે જીવના જોખમે નીલગાયને નવજીવન આપ્યું હતું. જુઓ નીલગાયને બચાવવાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન... https://youtu.be/LFdI8nriODA