માળીયાઃ માળીયા(મિં.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજ રોજ ધરણા કરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પાઠવીને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરી કરવા સહિત અલગ અલગ માંગણી અને પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે. આજ રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સંચાલિત માળીયા (મિં.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધકારીને આવેદન પત્ર આપીને પોતાની વિવિધ પડતર માગણીઓ સંતોષાય તેવી માંગણી કરી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગની વાત કરીએ તો વર્ષ 2006થી જુની પેન્શન યોજના ચાલુ કરવા અંગેની હતી. આ અંગે શિક્ષક સંઘની માગ છે કે આ બાબતે વિવિધ સ્તરે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. અગાઉ આ બાબતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંશાધન મંત્રી, મુખ્યમંત્રી વગેરેને આવેદન પત્ર પાઠવેલ છે. આ ઉપરાંત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની નવેમ્બર માસમાં બિહારના બૌધ ગયામાં મળેલી કારોબારી સભામાં ઠરાવ્યા અનુસાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની એક્શન કમિટી દ્વારા વિવિધ પડતર માંગણીઓ અંગે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવાયો છે. આ માંગણીઓ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચાડવા અને જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતની માંગણીઓના નિરાકરણ માટે પ્રતિનિધિ મંડળને બોલાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ અને પ્રશ્નોની વાત કરીએ તો, જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલીક ચાલુ કરવી, સાતમાં પગાર પંચનો લાભ સમગ્ર દેશમાં સમાન રીતે આપવો, જુદા જુદા નામોથી રાજ્યોમાં કરાર આધારિત ફરજ બજાવતા શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી આપવી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દૂર કરવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓ અને પ્રશ્નોની વાત કરીએ તો, એસ.પી.એલ રજા બાબતે નિર્ણય લેવો, 27-04-2011 પહેલા ભરતી થયેલા શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા, 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા સિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત, એચ. ટાટ તથા પ્રાથમિક શિક્ષકોની મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા બાબત, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને 100 ટકા છૂટા કરવા બાબત, કોરોનાના કારણે સી.સી.સી પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા. 31-12-2020 પછી મુદ્દતમાં વધારો કરવા બાબત. જેવી માંગણીઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે.