માળીયા (મિ) શહેર આપના પ્રમુખની મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત માળીયા (મિયાણા) : માળીયા (મિયાણા) શહેરમાં રૂપિયા 62.62 લાખના ખર્ચે પશુ હોસ્પિટલની પુનઃનિર્માણની કામગીરીમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે ત્યારે આ કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તાત્કાલિક તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે માળીયા (મિયાણા) શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જેડા તૈયબભાઈ જુસબભાઈ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, માળીયા (મિયાણા) શહેરમાં 62.62 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પશુ હોસ્પિટલની નવી બિલ્ડીંગના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે. જેમાં ભ્રષ્ટાચારના એંધાણ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ હલકી અને નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી છે. જેમાં ઠેર ઠેર પોપડા પડી રહ્યા છે. દરવાજાની કામગીરી ખૂબ નબળી છે. દરવાજા લોક થાય તેવી સ્થિતિમાં પણ નથી. તેમજ હાલના સમયમાં સદરહુ કામની બિલ્ડીંગનું માર્ચ 2024માં પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બિલ્ડીંગ ફર્નીશિંગ (લાઈટ ફિટિંગ, બારી દરવાજા, ગ્રીલ વર્ક વગેરે)ના નાના મોટા કામ ચાલુ છે. પરંતુ દરવાજા લોક ન થવાના કારણે નાના મોટા સામાનની ચોરી પણ થઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.