માળીયા (મી.) : માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો. જે બાબતે બંને પક્ષોએ માળિયા (મી.) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માળિયાના વેજલપર ગામે રહેતા કિશોરભાઈ સોમાભાઈ ઉપાસરીયા તથા આરોપી સુરેશભાઈ બાબુભાઈ ગડેસીયા, આરોપી બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયા, આરોપી હરેશભાઈ બાબુભાઈ ગડેસીયાએ માર માર્યા અંગેનો માળિયા કોર્ટમાં કેસ ચાલતો હોય જેથી આરોપીઓ ફરિયાદી કીશોરભાઈને ઉપરોક્ત કેસમાં સમાધાન કરવાનું કહેતા ફરિયાદી કિશોરભાઈએ ના પાડતા આરોપી સુરેશભાઈએ ફરિયાદી કિશોરભાઈ તથા સાહેદોને ગાળો આપી કેરોસીનનું ડબલું લાવી ફરિયાદી કિશોરભાઈને સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી બાબુભાઈ અને હરેશભાઈએ હાથમાં લાકડી તથા કુહાડી જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી કિશોરભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કિશોરભાઈએ માળિયા પોલીસ મથકમાં નોંધાવી છે. તો બીજી તરફ સામા પક્ષે બાબુ વિઠલભાઈ ગડેસીયાએ આરોપી કિશોરભાઈ સોમાભાઈ કોળી સાથે સામસામી ફરિયાદ થયેલ જે કેસ માળિયા કોર્ટમાં ચાલુ હોય જેનું ફરિયાદી સમાધાન કરવાનું કહેતા આરોપી કિશોરભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી આરોપી અશોકભાઈ સોમાભાઈ કોળીએ પાઈપ વતી મારતા માથામાં મૂઢ ઈજા થયેલ તેમજ આરોપી જયંતિભાઈ સોમાભાઈ કોળીએ છરી વતી ઘા કરતા માથામાં ઈજા પહોચાડી આરોપી અમરશીભાઈ ભગવાનભાઈ કોળીએ લાકડી વતી ફરિયાદી બાબુ ગડેસીયાને પીઠના ભાગે માર મારતા અને પાછળથી આરોપી બાબુભાઈ ચકુભાઈ કોળી, રોમાબેન કિશોરભાઈ કોળી અને સમુબેન બાબુભાઈ કોળીએ લાકડી વતી ફરિયાદી બાબુભાઈને લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયાએ નોંધાવી છે. માળિયા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.