મોરબી : સરકારી શાળાઓ એટલે જુનું પુરાણું બિલ્ડીંગ, ખખડધજ ઓરડા, સુવિધાઓનો અભાવ આવું જ ચિત્ર લોકોના નજરમાં આવે પરંતુ મોરબી જિલ્લાના ફરજનિષ્ઠ શિક્ષકોને કારણે સરકારી શાળાઓની સ્થિતિ સુધરી છે જેમાં મોરબી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાની યાદીમાં માળીયા મિયાણા તાલુકાની મોટી બરાર મોડેલ સ્કૂલે પ્રથમ નંબર મેળવ્યો છે.વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ મોટી બરાર શાળાનું લક્ષ્ય છે. આ શાળા હરહંમેશ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે જ પ્રયત્નશીલ રહેતી હોય છે. જેમાં શાળાનું ઉત્તરોત્તર શ્રેષ્ઠ પરિણામ, શિક્ષણની સાથે સાથે શાળાઓમાં અન્ય સ્પર્ધાઓમાં પણ અગ્રિમ સફળ જ રહેલ તથા પ્રવાસ પર્યટન હોય કે પછી વિવિધ રાષ્ટ્રીય કે સાંસ્કૃતિક પર્વ હોય આ તમામને ખૂબ ઉત્સાહભેર શાળા પરિવાર ઉજવે છે. આમ વિદ્યાર્થીઓમાં સર્વાંગી મૂલ્યોનું સિંચન કરવામાં આવી રહ્યું છે. આ તમામ બાબતોની નોંધ લઈને મોડેલ સ્કૂલ મોટીબરારને શ્રેષ્ઠ શાળા પસંદગીમાં પ્રથમ ક્રમાંકે પસંદ કરવામાં આવી છે. જેથી શાળા પરિવાર તથા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.અવિરત કર્મને વરેલા શાળા પરિવારના તમામ શિક્ષકગણ, ટ્રેનર, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને પાયામાં રહેલ ભૂતપૂર્વ સ્ટાફ તથા નામી-અનામી સૌની કર્મનિષ્ઠા અને સમરસ સમર્પણ ભાવથી મોડેલ સ્કૂલ મોટીબરારે ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરી છે. તે બદલ સમગ્ર શાળા પરિવારને તથા જેમની સૂઝબૂઝ અને કર્તવ્યનિષ્ઠાથી શાળાને શ્રેષ્ઠ બનાવનાર શાળાના ભૂતપૂર્વ આચાર્ય બી. એન. વીડજાને પણ અભિનંદન મળી રહ્યા છે.