શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યામંદિર, વવાણીયા ખાતે કલા ઉત્સવ યોજાયો સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ વવાણીયાના પવિત્ર તીર્થધામોની વિશેષ મુલાકાત લીધીમાળિયા (મિયાણા) : માતૃશ્રી રામબાઈ મા શાળા વિકાસ સંકુલ, માળિયાનો SVS કક્ષાનો કલા ઉત્સવ “વિકસિત ગુજરાત @2047” થીમ પર તા. 28/11/2025ના શુક્રવારે શ્રીમદ્દ રાજચંદ્ર વિદ્યામંદિર, વવાણીયા ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે ચિત્ર રચના, બાળ કવિ, સંગીત ગાયન તથા સંગીત વાદન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાવિ ગુજરાતની ઝાંખી કલાત્મક રીતે રજૂ કરી હતી. આ કલા ઉત્સવમાં SVS કન્વીનર જે. જી. ચાવડા, ખાખરેચી QDC કન્વીનર મેહુલભાઈ ભોરણીયા, સરવડ QDC કન્વીનર બી.સી. પાંચોટિયા, મોટા ભેલા હાઈસ્કૂલના આચાર્ય એ.પી. કાંજીયા તથા વવાણીયા હાઈસ્કૂલના આચાર્ય પી.એમ. જાડેજાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી હતી. નિર્ણાયક મંડળ દ્વારા નિષ્પક્ષ અને કલાત્મક દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક એમ બંને વિભાગની તમામ સ્પર્ધાઓમાં પ્રથમ બે સ્થાન નક્કી કરાયા અને વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા (જયદીપ ગ્રુપ ઓફ કંપની – વવાણીયા-મોરબી) પરિવાર તરફથી શૈક્ષણિક કીટ ભેટરૂપે આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રેરણારૂપ બની હતી.કુલ આઠ સ્પર્ધાઓમાંથી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પાંચ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. માધ્યમિક વિભાગમાં બાળ કવિ સ્પર્ધામાં જશાપરા ગીતા સુરેશભાઈ, સંગીત ગાયનમાં મેવાડા યશ્વી રાજેશભાઈ અને સંગીત વાદનમાં દલસાણીયા પ્રિન્સ હિતેષભાઈ એમ ત્રણેયે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે ચિત્ર સ્પર્ધામાં પારઘી સાધના રમેશભાઈ દ્વિતીય ક્રમે રહી હતી. ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં રાઠોડ એશુબા હિતેન્દ્રસિંહ તથા બાળ કવિ સ્પર્ધામાં નાયકા નિશા નગીનભાઈ એમ બંનેએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને સંગીત વાદન સ્પર્ધામાં પરમાર કેશવ વિનોદભાઈ દ્વિતીય સ્થાને રહ્યા હતા.કલા ઉત્સવના સમાપન પ્રસંગે ખાખરેચી QDCના કન્વીનર મેહુલભાઈ ભોરણિયાએ વિદ્યાર્થીઓની પ્રતિભા, શિક્ષકવર્ગનો સહયોગ અને આયોજનની સફળતા અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્વીનર જે. જી. ચાવડાએ સરળતા તથા નૈપુણ્યથી સંભાળ્યું હતું, જ્યારે યજમાન શાળા શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યામંદિર, વવાણીયાના આચાર્ય પ્રદીપસિંહ જાડેજા તથા તેમની સ્ટાફ ટીમે આયોજનની તમામ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવતાં સમગ્ર કાર્યક્રમને સ્મરણીય બનાવ્યો હતો.કલા ઉત્સવની તમામ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ વવાણીયાના પવિત્ર તીર્થધામોની વિશેષ મુલાકાત લીધી હતી. વવાણીયા ગામ સમગ્ર દેશમાં જૈન કવિ, અધ્યાત્મ પ્રકાશપુંજ અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે જગપ્રસિદ્ધ શ્રીમદ્ રાજચંદ્રના જન્મસ્થળ તરીકે ઓળખાય છે, અહીં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભૂમિના વિદ્યાર્થીઓએ આ મંદિર ખાતે શ્રદ્ધાભાવે દર્શન કરી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, તેમના આત્મજ્ઞાન, અહિંસા અને સત્યપ્રેમ વિશેનું પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ બાપુ તરીકે લોકમાં વંદનીય નીમ કરોરી મહારાજ (નિબ કરોરી બાપુ)ના મંદિરે તથા કષ્ટભંજન દેવના મંદિરે પ્રાર્થના કરી સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વવાણીયાની ધાર્મિક ઓળખનો અભિન્ન અંગ ગણાતા માતૃશ્રી રામબાઈમાતા મંદિર ખાતે માતાજીના ચરણોમાં વંદન કરી વિદ્યાર્થીઓએ ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો. અંતે કુબેર ભંડારી મંદિર જેવા પવિત્ર તીર્થસ્થાનોના પણ દર્શન કર્યા હતા, જ્યાં સમૃદ્ધિ, દાન અને સેવાભાવ સાથે જોડાયેલા ધાર્મિક પ્રતીકો વિશે વિદ્યાર્થીઓને સમજાવી ભારતીય સંસ્કૃતિ અને તીર્થયાત્રા પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત કરવામાં આવી હતી. આ રીતે કલા ઉત્સવની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ સાથે વવાણીયાના તીર્થધામોના દર્શન કરી વિદ્યાર્થીઓએ એક દિવસની પિકનિકનો લાભ લીધો અને આનંદ, પ્રેરણા તથા આધ્યાત્મિક ઊર્જાનો અહેસાસ સાથે પરત ફરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.