માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) નગરપાલિકામાં જન્મ–મરણ પુનઃગઠનની અંદાજે 1200 જેટલી અરજીઓ લાંબા સમયથી પડતર છે. ત્યારે આ તમામ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા આમ આદમી પાર્ટી માળિયા (મિયાણા) શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, જન્મ-મરણ પુનઃગઠન સંબંધી લગભગ 1200 અરજીઓ પડતર પડી છે. અરજદારો વારંવાર ધક્કા ખાય છે. છતાં જરૂરી પ્રમાણપત્રોના નિકાલમાં કોઈ ગતિ જોવા મળતી નથી. આ વિલંબને કારણે સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓ, શાળામાં પ્રવેશ, વીમા કામકાજ, પેન્શન આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા સહિતનાં અગત્યનાં કાર્યોમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જો 15 દિવસમાં રજૂઆતનો નિકાલ નહીં થાય તો નાગરિક હિત માટે શાંતિપૂર્ણ, કાયદેસર અને પગલાં, જેમ કે, જિલ્લા/મંડળ અધિકારીઓ સમક્ષ સજ્જડ રજૂઆત, ગૌરવપૂર્ણ ધરણા, જનઆંદોલનના શાંતિપૂર્ણ કાર્યક્રમો કરવામાં આવશે તેમ જણાવાયું છે.