છેવાડાના અને વંચિત સમુદાયને પૂરતું અનાજ ન મળતું હોવાની અને ડીલરો દ્વારા દબાણ કરાતું હોવાની રજૂઆત સાથે ઓચિંતી તપાસની માંગ કરાઈમોરબી : માળિયા તાલુકામાં અન્ન સુરક્ષા અધિનિયમ 2013ના કડક અમલીકરણની માંગ સાથે માળિયા મહિલા શક્તિ સંગઠન દ્વારા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. માળિયા મહિલા શક્તિ સંગઠન તાલુકાના ગામોમાં લાંબા સમયથી અન્ન સુરક્ષા, આજીવિકા, આરોગ્ય, શિક્ષણ અને મહિલાઓ પર થતી હિંસા જેવા ગંભીર મુદ્દાઓ પર સક્રિય રીતે કાર્યરત છે.આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, અન્ન સુરક્ષા કાયદા મુજબ 1 વ્યક્તિને 5 કિલો અનાજ મળવું જોઈએ, પરંતુ માળિયા તાલુકાના ગામોમાં છેવાડાના અને વંચિત સમુદાયના લોકોને નિયમ મુજબ પૂરતું અનાજ આપવામાં આવતું નથી. ડીલરોના દબાણના લીધે બહેનો પોતાનો અવાજ ઉઠાવી શકતી નથી. મેઘપર, ઝાઝાસર, ચીખલી, વિરવિદરક, સુલતાનપુર, કુંભારિયા જેવા ગામોમાં કોળી અને દેવીપૂજક સમુદાયની મહિલાઓએ અગાઉ પૂરતા અનાજના જથ્થા અને બિલ ન મળવા અંગે ફરિયાદો કરી હતી. જેના પરિણામે ડીલરો દ્વારા 'તમે અમારી ફરિયાદ કેમ કરો છો' તેમ કહીને બહેનો પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો સંગઠનને મળી છે.આ ઉપરાંત નવા હંજિયાસર, વેણાસર જેવા ગામોના લોકોને અનાજ લેવા માટે દૂરના અન્ય ગામોમાં જવું પડે છે, જેના કારણે તેમને વાહન ભાડાનો ખર્ચ વધુ થાય છે. આ પ્રશ્ને પણ રજૂઆત કરવામાં આવી હતી કે ડીલરો દ્વારા જે ગામોમાં અનાજ વિતરણ વ્યવસ્થા નથી ત્યાં રૂબરૂ જઈને અનાજ વિતરણ કરવામાં આવે. માળિયા મહિલા શક્તિ સંગઠનના પ્રમુખ અને આગેવાન બહેનોએ મામલતદારને રજૂઆત કરી હતી કે ગામોમાં ડીલરો દ્વારા યોગ્ય રીતે અનાજ અપાય છે કે કેમ તેની ઓચિંતી મુલાકાત લઈ તપાસ કરવામાં આવે અને આ બાબતે સત્વરે ઘટતી કાર્યવાહી કરવામાં આવે.#Morbi #Maliya #MorbiUpdate #MaliyaMahilaShaktiSangathan #FoodSecurityAct2013 #RationCard #Mamlatdar #GujaratNews #WomensRights