સમય બદલાવ્યાની ૩૦ દિવસ પૂર્વે નોટિસ ન અપાઈ : આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી લી. દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રાવ માળીયા : મકળિયા તાલુકાના દરિયાકાંઠાના પ્લાન માટે આજે તા. ૨૭ના રોજ સવારે ૧૧ કલાકે જે લોકસુનવણી યોજાનાર હતી તેના સમયમાં ફેરફાર કરી બપોરે ૩ વાગ્યાનો કરવામાં આવ્યો હતો. સમયની આ ફેરબદલી કાયદા મુજબ ન હોવાથી તેને બંધ કરવાની આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી લી. દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરવામાં આવી છે. માળીયા તાલુકાની આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી લી. દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરવામાં આવી હતી કે માળીયા તાલુકાના દરિયાકાંઠાના પ્લાન માટેની આજે તા. ૨૭ના રોજ ૧૧ કલાકે લોકસુનવણી હાથ ધરવામાં આવનાર હતી. આ લોકસુનવણીના સમયમાં ફેરફાર કરીને બપોરના ૩ વાગ્યાનો સમય કરી દેવામાં આવ્યો છે. વધુમાં જણાવાયું કે પર્યાવરણ સુરક્ષા ધારો ૧૯૮૬ અંતર્ગત લોકસુનવણીની તારીખ, સમય અને સ્થળ ફેરફાર માટે ૩૦ દિવસનો સમય આપવાનો રહે છે. કાયદા મુજબ ૩૦ દિવસનો સમય આપ્યા બાદ જ લોક સુનવણીનો સમય ફેરવી શકાય છે. તેમ છતાં માળીયા તાલુકામાં ૩૦ દિવસ પૂર્વે નોટિસ આપવા વિના જ સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.જેથી આ લોકસુનવણી રદ કરવામાં આવે તેવી માંગ છે. જો રદ કરવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.