મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલો અને નાના - મોટા ક્લિનિકો દર્દીઓથી ઉભરાયા સિવિલમાં રોજની 450થી વધુ ઓપીડી મોરબી : છેલ્લા દોઢેક માસથી કોરોના હળવો પડયા બાદ હાલ મોરબીમાં વાયરલ રોગચાળો બેકાબુ બન્યો છે. ઘરે - ઘરે શરદી, તાવ, ઉધરસની સાથે - સાથે મચ્છરજન્ય મેલરીયા બીમારીએ માથું ઉચકતા જન્માષ્ટમીના તહેવારે જ લોકો ચિંતિત બન્યા છે. મોરબી જિલ્લામાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેરે રીતસર આંતક મચાવ્યા બાદ સરકારી આરોગ્ય વિભાગની તાકાત મપાઈ ગઈ છે અને સિવિલથી લઈ ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની અછત મુખ્ય હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોરોના દોઢ મહિનાથી હળવો પડતા લોકો નિરાંતનો શ્વાસ લઈ રહ્યા હતા ત્યાં જ છેલ્લા દિવસોમાં વાયરલ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા - ઉલ્ટીના કેસોમા વધારો થતાં હાલમાં સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. રોગચાળાની સ્થિતિ અંગે સરકારી આંકડા ઉપર નજર કરવામાં આવે તો મોરબી સિવિલમાં કોરોના ચરમ સીમાએ હતો ત્યારે એપ્રિલ માસમાં મહિને 7856 ઓપીડી હતી જે મે મહિનામાં વધીને 9261 થયા બાદ જૂન માસમાં 12065 અને જુલાઈ માસમાં દૈનિક સરેરાશ 488 દર્દીઓ આવતા હાઈએસ્ટ 12688 દર્દીઓ જુલાઈ માસમાં જુદી - જુદી બીમારી સબબ સારવાર માટે આવ્યા હોવાનું સતાવાર આંકડા જણાવી રહ્યા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતા આંકડા મુજબ જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં મેલેરિયાના કુલ 91 કેસ સામે આવ્યા છે જેમાં સૌથી વધુ જૂન માસમાં 25 અને જુલાઈ માસમાં 45 કેસ સામે આવ્યા છે. ઉપરોક્ત આંકડા જોતા જૂન જુલાઈ માસમાં મેલરીયા રોગચાળો વકર્યો છે અને ખાનગી દવાખાનામાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા આથી અનેકગણી વધુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા દોઢ બે માસમાં કોરોના કૂણો પડવાની સાથે મોરબી જિલ્લામાં જાન્યુઆરીથી જુલાઈ માસ સુધીમાં શરદી ઉધરસના 22911, ઝાડાના 8053, કૂતરા કરડવાના 3284 અને ટાઇફોઇડના 36 કેસ નોંધાયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જો કે સમાપક્ષે ખાનગી હોસ્પિટલમાં પણ લોકો મોટા પ્રમાણમાં સારવાર માટે જતા હોય એકંદરે જિલ્લામાં મેલરીયા અને વાયરલ રોગચાળો વકર્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..