બે કર્મચારીઓની ટીમ ઘરે ઘરે ચેકીંગ કરીને નાશ કરેલા ઉદ્દભવ સ્થળોની વિગત પ્રાથમિક આયોગ્ય કેન્દ્રને સોંપે છે, બાદમાં આ વિગત તાલુકા હેલ્થ ઓફિસર અને ત્યાંથી જિલ્લા હેલ્થ ઓફિસર પાસે પહોંચે છે : કુલ 1200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું પ્લાનિંગ સરાહનીય મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો અટકાવવા માટે જન આરોગ્યની જાળવણીને લગતી સઘન કામગીરી કરવામાં આવી હતી.ખાસ કરીને વરસાદી વાતાવરણને પગલે સપ્ટેમ્બર માસમાં રોગચાળો વકરતો હોય છે.તેથી મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી રોગચાળો ન વકરે તે માટે આરોગ્યને લગતા તમામ આગોતરા તકેદારીના પગલાં લીધા હતા.દરેક ગામોનો સર્વે કરી મચ્છર ઉત્પત્તિ સ્થળોએ પોરાનશાક સહિતની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લામા કુલ 6.13 લાખ મચ્છર ઉદભવ સ્થળોનો આયોજનબદ્ધ રીતે નાશ કરવામાં આવ્યો હતો.મોરબી જિલ્લામાં ઓણસાલ ચોમાસામાં ભરપૂર વરસાદ પડ્યો છે અને હજુ કટકે કટકે અવરીત વરસાદ પડતો હોવાથી ગંદકીને કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિનું નિમાર્ણ થયું હતું.ખાસ કરીને સપ્ટેબર માસમાં વરસાદી વાતાવરણને કારણે રોગચાળો માજા મુકતો હોય છે અને ઘરેઘરે વાયરલ બીમારીઓ ફેલાતી હોય છે તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા પણ માથું ઉચકતો હોય છે ત્યારે આ વખતે વરસાદી વાતાવરણથી રોગચાળો ન ફેલાય તે માટે આગોતરી કામગીરી કરવા માટે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના પ્રથીમક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ, મેડિકલ ઓફિસર સહિતના આરોગ્ય વિભાના સ્ટાફને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લેવાની સૂચના આપી દેવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા ચાલુ માસમાં સમગ્ર જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયા અટકાવવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી હતી.જેમાં 613103 મચ્છરોના ઉદભવ સ્થળોની તપાસ કરવામાં આવી હતી અને 797 સ્થળોએ ગપ્પી મછલીઓ મુકવામાં આવી હતી.તેમજ 390586 પાત્રોમાં એબેટની કામગીરી અને 2030 પાત્રોમાં સોર્સ રીડક્શન અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. દરેક ગામોમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો.જેમાંથી સર્ગભા મહિલાઓને 31140 દવાયુક્ત મચ્છર દાનીનું વિતરણ કરાયું હતું. આ અંગે જિલ્લા મેલેરિયા અધિકારી ડો.સી.એલ.વારેવડીયાએ જણાવ્યું કે જિલ્લાના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 5 અર્બન હેલ્થ કેન્દ્રમાં 35 મેડિકલ ઓફિસર, 30 પુરુષ આરોગ્ય સુપરવાઇઝર, 28 સ્ત્રી આરોગ્ય સુપરવાઇઝર, 180 MPHW, 180 FHW અને 790 આશાબહેનો આ કામગીરીમાં જોડાયા હતા. સૌ પ્રથમ એક MPHW અથવા આશાબહેન સાથે એક FPW ઘરે ઘરે ચેકીંગ કરે છે. તેઓ ચેકીંગ દરમિયાન જ્યા કયાય પણ મચ્છર ઉદ્દભવ કેન્દ્ર મળી આવે તેનો નાશ કરે છે. સામાન્ય રીતે નાના એવા વાટકામાં પણ જો વરસાદી પાણી ભર્યું રહે તો તેમાં મચ્છર ઈંડા મૂકે છે. અને આ વાટકો મચ્છર ઉદ્દભવ કેન્દ્ર બની જતો હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ઘરે ઘરે ફરીને ચેકીંગ કર્યા બાદ બે કર્મચારીઓની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કેટલા મચ્છર ઉદ્દભવ કેન્દ્રનો નાશ કર્યો અને અન્ય શુ આરોગ્ય વિષયક કામગીરી કરી તેની વિગતો આપે છે. આ વિગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસરને પુરી પાડવામાં આવે છે. બાદમાં આ આંકડો જિલ્લા મેલેરિયા અધિકારી અને આરોગ્ય અધિકારી સુધી પહોંચે છે. ઉલ્લેખનીય છે કે મેલેરિયા વિભાગ દ્વારા 6.13 લાખ મચ્છર ઉદ્દભવ કેન્દ્રનો નાશ કરવામાં આવ્યો તેવું સાંભળતાની સાથે જ એવો વિચાર આવે કે 6 લાખથી વધુ સ્થળોની ગણતરી કરવી મુશ્કેલ છે. આ આંકડો અતિશયોક્તિ ભર્યો હશે. પરંતુ હકીકતમા આરોગ્ય તંત્રના 1200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂલ પ્રુફ પ્લાનિંગ સાથે આ કામગીરી કરવામાં આવે છે. સાથે નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી તમામ ઝીણવટ ભરી વિગતો પણ સંકલન સાથે મોકલવામાં આવે છે. જો કે હાલ રોડ- રસ્તામાં તેમજ ખરાબામાં અને ગંદકીવાળા સ્થળોએ પાણી ભરાયેલા રહેતા હોવાથી મચ્છરોનું પ્રમાણ હજુ પણ વધુ જ જોવા મળી રહ્યું છે. અંતમાં મોરબી જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા અને મેલેરિયા અધિકારી ડો.સી.એલ.વારેવડીયાએ લોકોને રોગચાળાથી બચવા સાવચેત રહેવાની અપીલ કરી છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274