આજે અમે એક મસ્ત વાનગી લઈને આવ્યા છીએ. આ વાનગીનું નામ સાંભળતા જ તમારા મોંમા પાણી આવી જશે અને તમે હોંશે-હોંશે ખાશો પણ ખરા. આ એક પૌષ્ટિક વાનગી છે. જે તમારા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સોજીનો શીરો બનાવવાની. જો કે ઘણાં લોકો એમ કહેતા હોય છે કે સોજીનો શીરો વ્હાઇટ બનતો નથી અને છેલ્લે ઘી પણ છૂટતુ નથી. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો એકદમ પરફેક્ટ શીરો.. સામગ્રી:- 200 ગ્રામ સોજી 150 ગ્રામ ધી 200 ગ્રામ ખાંડ( તમારા ઘરમાં ગળ્યુ વધારે ભાવતુ હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુ વધારી શકો છો) 400 મિ.લી દૂધ કાજુ બદામ દ્રાક્ષ એલચી પાઉડર જાયફળ પાઉડર બનાવવાની રીત:- સોજીનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં સોજી નાંખો અને એને ધીમા ગેસે શેકો. એક બાજુ દૂધ ગરમ કરવા માટે મુકો. સોજી તમારે ફાસ્ટ ગેસે શેકવાની નથી. જો તમે ફાસ્ટ ગેસે શેકશો તો સોજી દાઝી જશે અને ટેસ્ટ પણ બગડી જશે. સોજી શેકાઇ જાય એટલે એમાં દૂધ નાંખો અને ફાસ્ટ ગેસ કરી દો. ત્યારબાદમાં 5 મિનિટ રહીને ગેસ ધીમો કરો અને દૂધને થવા દો. દૂધ તમારે એક સાથે નાંખવાનું નથી. દૂધ ધીરે-ધીરે નાંખજો. થોડુ દૂધ ઘટ્ટ થઇ જાય એટલે એમાં તમારા ઘરના ટેસ્ટ મુજબ ખાંડ નાંખો. ખાંડ ઓગળી જાય એટલે શીરાને શેકાવા દો જેથી કરીને ધીરે-ધીરે એમાંથી ઘી છૂટવા લાગશે. થોડુ ઘી છૂટે એટલે એમાં એલચી પાઉડર, સમારેલી બદામ, દ્રાક્ષ, જાયફળનો પાઉડર અને કાપેલા કાજુ નાંખો. ત્યારબાદ આ શીરાને 15 થી 20 મિનિટ માટે થવા દો. બને ત્યાં સુધી આ શીરાને તવી પર મુકીને ધીમો ગેસ ચાલુ કરી દો જેથી કરીને ઘી છૂટવા લાગે. ઘી બરાબર છૂટવા લાગે એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે સોજીનો શીરો. આ રીતે શીરો બનાવશો તો એકદમ વ્હાઇટ બનશે.