પુરવઠા વિભાગની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ: ગોડાઉન મેનેજર અને ઓપરેટર સામે ગાંધીનગર સુધી રિપોર્ટ, ફોજદારી પગલાંની તજવીજઓટાળાના ખેડૂત સાથે છેતરપિંડી: 4150 કિલો ઘઉં જમા લીધા છતાં બિલ ન મળતા અને ખાતામાં પૈસા પણ ન આવતા ખેડૂત આર્થિક સંકળામણમાંટંકારા (મોરબી અપડેટ) : ટંકારાના સસ્તા અનાજના ગોડાઉનમાં ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદીમાં મોટો ગોટાળો પ્રકાશમાં આવ્યો છે. એક ખેડૂતે પોતાનો માલ વેચ્યા બાદ તેમને બિલ ન આપી તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડનો રિપોર્ટ છેક ગાંધીનગર સુધી પહોંચતા આગામી દિવસોમાં મોટા ધડાકા થવાના એંધાણ મળી રહ્યા છે.મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામના ખેડૂત ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ઘોડાસરાએ રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ટેકાના ભાવે ઘઉં વેચવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તારીખ 11/06/2026 ના રોજ તેમને ટોકન નંબર 40 આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 12/06/2026 ના રોજ ટંકારા ખરીદ કેન્દ્ર ખાતે તેમણે 4150 કિલો (83 ગુણી) ઘઉં જમા કરાવ્યા હતા. ગ્રેડિંગ સ્ટાફ દ્વારા માલ પાસ કરી ગ્રેડિંગ રિપોર્ટ (નંબર 641) પણ આપવામાં આવ્યો હતો. પરંતુ ગોડાઉનમાં ફરજ બજાવતા લોકો દ્વારા ખેડૂતને પાકું કમ્પ્યુટર બિલ (MSP રસીદ) આપવામાં આવી ન હતી. ખેડૂતને એમએસપી રસીદ ન મળતા તેમના બેંક ખાતામાં ઘઉંના વેચાણની રકમ જમા થઈ ન હતી. આ અંગે ગોડાઉન મેનેજરનો સંપર્ક કરતા તેમણે આવી કોઈ ખરીદી થઈ જ ન હોવાનો ઉડાઉ જવાબ આપી ખેડૂતને ધક્કે ચડાવ્યા હતા. આથી ખેડૂતની હાલત કફોડી બનતા તેમણે ન્યાય માટે સ્વાગત પોર્ટલ અને જિલ્લા પુરવઠા અધિકારી, મોરબીને લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી. આ ગંભીર બાબતે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કમિટી નીમી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખેડૂતે પોતાનો જથ્થો ગોડાઉનમાં ઠાલવ્યો હોવાની તમામ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં પણ ખેડૂતે 4150 કિલો (83 કટ્ટા) ઘઉં વેચાણ કર્યાની પુષ્ટિ થઈ હતી, છતાં ગોડાઉન મેનેજર દ્વારા ઈરાદાપૂર્વક છબરડો કરી રસીદ ન બનાવી હોવાનું સામે આવ્યું છે.આ પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ટંકારા ગોડાઉનના ઓપરેટર મનિષ ગેડિયાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં ગંભીર ફરજભંગ અને બેદરકારી દાખવવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી શા માટે ન કરવી તે અંગે રૂબરૂ ખુલાસો માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની વડી કચેરી દ્વારા ટંકારાના ગોડાઉન મેનેજર વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા અને સદર ખેડૂત દ્વારા વેચવામાં આવેલ ઘઉંના કટ્ટાની કિંમતની રિકવરી કરવા માટેનો ધગધગતો રિપોર્ટ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો છે. વધુમાં, જો જરૂર જણાશે તો આ મામલે ફોજદારી રાહે પગલાં ભરવાની પણ સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.#Morbi #Tankara #MorbiUpdate #FarmerIssue #MSP #WheatProcurement #Scam #GujaratNews #MorbiNews