તે સમયે નાટકોથી ધમધમતા આ ટાઉનહોલમાં અનેક નામી કલાકારોએ કલાના કામણ પાથર્યા હતાઆ જગ્યાએ 55 કરોડના ખર્ચે નવું કોર્પોરેશન બિલ્ડીંગ અને 430 ની કેપેસિટી વાળું આધુનિક ઓડિટોરિયમ બનશેમોરબી : મોરબી શહેર હંમેશાથી કલા અને સંસ્કૃતિનું મોટું કેન્દ્ર રહ્યું છે. દાયકાઓ સુધી મોરબીના કલાકારો અને નાટ્ય પ્રેમીઓ માટે એકમાત્ર આશ્રયસ્થાન રહેલો મહેન્દ્રસિંહ ટાઉનહોલ હવે નામશેષ થઈ ગયો છે. અનેક ઐતિહાસિક નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સાક્ષી રહેલો આ ટાઉનહોલ હવે ઈતિહાસના પાનાઓમાં સમેટાઈ ગયો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા પર 55 કરોડના ખર્ચે નવું અત્યાધુનિક કોર્પોરેશન બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે 6 દાયકા જૂની આ કલાની ઈમારતને તોડી પાડવામાં આવી છે.આ ટાઉનહોલનો ઈતિહાસ ખૂબ જ રોચક અને ભવ્ય રહ્યો છે. વર્ષ 1963 માં મોરબી શહેર સુધરાઈ દ્વારા આ ટાઉનહોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે આખા ટાઉનહોલના નિર્માણ પાછળ કુલ 2,10,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ભવ્ય ટાઉનહોલના નિર્માણ માટે રાજવી કુટુંબ દ્વારા 50,000 રૂપિયાનું ઉદાર અનુદાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 31-1-1963 ના રોજ મયુરધ્વજસિંહજીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈમારત એટલી મજબૂત હતી કે તેણે 1979 ની મચ્છુ જળ હોનારત અને 2001 ના ગોઝારા ભૂકંપનો પણ મક્કમતાથી સામનો કર્યો હતો અને લગભગ 63 વર્ષ સુધી અડીખમ રહી હતી.થોડા વર્ષો પહેલાં નગરપાલિકાએ 3થી 4 કરોડ રૂપિયાના મસમોટા ખર્ચે ટાઉન હોલનું સાઉન્ડપ્રૂફિંગ અને એર-કંડિશનિંગ સહિતનું આધુનિકીકરણ કરાવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર બે વર્ષમાં જ આ સુવિધાઓ છતાં હોલ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો. છેલ્લા 2થી 3 વર્ષથી તાળાબંધ હાલતમાં પડેલા આ હોલમાં નવી લગાવેલી વસ્તુઓ ઉપયોગ વિના જ સડી ગઈ, જે વહીવટી બેદરકારીનું ઉદાહરણ ગણાવાઈ રહ્યું છે. ટાઉનહોલના સુવર્ણ યુગને યાદ કરતા જાણીતા નાટ્ય કલાકાર લાલજી મહેતા જણાવે છે કે, એક સમયે મોરબીમાં નાટકોનો જબરદસ્ત ક્રેઝ હતો. ટાઉનહોલ બન્યા પછી તે નાટ્ય પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયો હતો. અહીં ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા. અહીં નાટકો જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડતી હતી. આજે ભલે આ ઈમારત તૂટી ગઈ હોય, પરંતુ કલાકારો અને કલાપ્રેમીઓના હૃદયમાં તેની યાદો હંમેશા જીવંત રહેશે.હાસ્ય સમ્રાટ રમેશ મહેતાએ આ જ મંચ પરથી અભિનયના કામણ પાથર્યા60 અને 70 ના દાયકામાં મોરબીનો આ ટાઉનહોલ કલાકારો માટે એક પવિત્ર મંચ સમાન હતો. જાણીતા નાટ્ય કલાકાર લાલજી મહેતાના જણાવ્યા અનુસાર, ગુજરાતી ચલચિત્રોના દિગ્ગજ હાસ્ય કલાકાર રમેશ મહેતાએ આ જ મંચ પરથી પોતાના અભિનયના કામણ પાથર્યા હતા. તેમની સાથે ચેતના મહેતા, વૃંદા ત્રિવેદી, ઈસ્માઈલ મીર, ભવાની શંકર અને મનસુખ જોશી જેવા અનેક નામી કલાકારોએ અહી નાટકો ભજવીને મોરબીવાસીઓના દિલ જીત્યા હતા. ખાખરાવાળા ભવાઈ મંડળી, ભવાનીશંકર દેશરાવાળા જેવા મંડળો પણ અહીં પ્રસ્તુતિ આપતા. 1952-55ના ગાળામાં તો ખુદ પૃથ્વીરાજ કપૂર (રાજ કપૂરના પિતા) અને ફિરોઝ ઈરાની (અરુણા ઈરાનીના પિતા) જેવી નાટક કંપનીઓ પણ મોરબી આવી ચૂકી હતી. ટાઉન હોલમાં નાટકોનો દોર 2000ની સાલ સુધી ચાલુ રહ્યો.નવું આધુનિક ઓડિટોરિયમ કેવું હશે? જૂના ટાઉનહોલની જગ્યાએ મોરબી મહાનગરપાલિકાનું 55 કરોડના ખર્ચે 4,102 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા ધરાવતું નવું મહાનગરપાલિકા ભવન બની રહ્યું છે. જેમાં કલાકારો અને કલાપ્રેમીઓ માટે એક અત્યાધુનિક ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે. આ નવા ઓડિટોરિયમમાં 430 લોકોની બેઠક વ્યવસ્થા હશે જે 1018 ચોરસ મીટરમાં પથરાયેલું હશે. કલાકારોની સુવિધા માટે તેમાં 2 ગ્રીન રૂમ, બેક સ્ટેજ અને એડમિન ઓફિસની ઉત્તમ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.1979ના પૂરમાં રાહત કાર્ય માટે નાટકના 35થી વધુ શો ભજવાયા1979માં મોરબીમાં આવેલા વિનાશક પૂર વખતે શહેરના તમામ થિયેટરો બંધ થઈ ગયા હતા. તેવા સંજોગોમાં કલાકારોએ પૂર રાહત માટે ટાઉન હોલમાં જ 'આ વર્ગ ગમતો નથી' નાટકના સતત 35થી 37 શો ભજવ્યા હતા. આ ઘટના મોરબીની કલા-પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની રહી. નાટકોની સાથોસાથ સંગીત જલસા, ડાન્સ કોમ્પિટિશન અને જાદુના શો પણ અહીં નિયમિત યોજાતા હતા, જે ટાઉન હોલને શહેરના સાંસ્કૃતિક જીવનનું ધબકતું કેન્દ્ર બનાવતા હતા.તંત્ર કલાના જાણકારોની સલાહ નહિ લ્યે તો નવુ ઓડિટોરિયમ જમણવારનો હોલ જેવો બની રહેશેનાટ્ય કલાકાર લાલજીભાઈ મહેતાએ નવા બની રહેલા હોલ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આખા મોરબીમાં એક જ કાયદેસરનો રંગમંચ હતો, જેમાં ગ્રીન રૂમ, લાઈટ રૂમ અને પાછળની તરફ ધીરે-ધીરે ઊંચાઈ વધતી બેઠક વ્યવસ્થા સાથેનું 20x20નું સ્ટેજ હતું. તેમણે સૂચન કર્યું કે નવું સ્ટેજ લાકડાનું જ બનાવવું જોઈએ, પથ્થરનું નહીં, જેથી નાટકમાં ફાઈટ કે જમ્પ સીન વખતે કલાકારોને ઈજા ન થાય. તેમની અપીલ છે કે તંત્ર કલાના જાણકારોની સલાહ લઈને જ કામ કરે, નહીંતર નવો હોલ માત્ર 'જમણવારના હોલ' જેવો બની જવાનું જોખમ છે.