જો થોડી વારમાં કોઈ નહિ આવે તો માળિયા ફાટકે જઈ ત્યાં ચક્કાજામ કરવાની વિદ્યાર્થીઓ અને વાલીઓની ચીમકીમોરબી : એસટી બસના પ્રશ્ને મહેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. આ ચક્કાજામને ત્રણ કલાક થઈ ગઈ છે. છતાં પણ કોઈ એસટીના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેન્દ્રનગરમાં એસટી બસો અનિયમિત આવે છે. ઉપરથી આવતી બીજી બસોમાં ચડવા દેવામાં આવતા નથી. કન્યા છાત્રાલય સહિતના સંકુલોમાં અભ્યાસ કરતા અંદાજે 80 વિદ્યાર્થીઓ અહીંથી દરરોજ બસમાં અપ ડાઉન કરે છે. આ સમસ્યાને કારણે આજે પ્રભુકૃપા ટાઉનશિપ પાસે અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓએ સવારે 7 વાગ્યાથી ચક્કાજામ કર્યો છે. જેને ત્રણ કલાક થયા છે.છતાં કોઈ એસટીના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં થોડી વારમાં જો કોઇ જવાબદાર અધિકારી નહિ આવે તો વિદ્યાર્થીઓ હવે માળિયા ફાટકે જઈ ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.