ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે મેળાનું ઉદઘાટન: ૧૫થી વધુ રાઈડ્સ અને ભજનની રાવટી જમાવશે આકર્ષણમોરબી: પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી નજીક આવેલા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ ખાતે આજથી બે દિવસીય પરંપરાગત લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો છે. આ મેળાનું ઉદઘાટન ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં આ વર્ષે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોકો ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ માણશે. વહેલી સવારથી જ શિવભક્તો અને મેળાના રસિયાઓની ભીડ જામશે તેવી શક્યતા છે.● રાઈડ્સનું આકર્ષણ: મેળામાં સહેલાણીઓ માટે નાની-મોટી મળીને કુલ ૧૫થી વધુ રાઈડ્સ લગાવવામાં આવી છે, જેમાં ૮ જેટલી મોટી રાઈડ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.● ભક્તિમય માહોલ: મેળાની સાથે સાથે ધાર્મિક માહોલ પણ જામ્યો છે. ગઈકાલ રાતથી જ અહીં ભજનની રાવટીઓ ધમધમી રહી છે. આજે રાત્રે અને આવતીકાલે પણ ભજનની રમઝટ બોલાવવામાં આવશે.● દર્શન માટે ઘસારો: આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી વહેલી સવારથી જ દૂર-દૂરથી ભાવિકો ભોળાનાથના દર્શન કરવા અને મેળાની મજા માણવા ઉમટી પડશે.