મોરબી: મોરબીના સુપર ટોકીઝ પાસે આવેલા મુંડિયા સ્વામી આશ્રમ નીલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુંડિયા સ્વામી આશ્રમ નીલકંઠ મહાદેવ ખાતે 18 ફેબ્રુઆરીને મહાશિવરાત્રીના દિવસે શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ જોરશોરથી ઉજવાયો હતો. જેમાં લક્ષ્મીનારાયણ, નારાયણ મુની, સાધુ સંતો સહિતના વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી. સુપર ટોકીઝ સુધી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોરબીની ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા. મહત્વનું છે કે છેલ્લા ત્રણ વર્ષથી આવો જ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાતે ધર્મપ્રેમી જનતાને ફરાળનો ભંડારો કરાયો હતો અને રાત્રે ચાર પોરની પૂજા કરવામાં આવી હતી.