શિવાલયોમાં ચાર પ્રહરની પુજા, મહાઆરતી, લઘુરૂદ્ર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : જડેશ્વર ખાતે માનવ મહેરામણ ઉમટયો વાંકાનેર : ધાર્મિક જગતમાં શિવરાત્રીનું અનેરૂ મહત્વ જોવા મળે છે. ચાર રાત્રી પૈકી શિવરાત્રી એટલે જીવનું શિવ સાથેનું આધ્યાત્મ મિલન. આ શિવરાત્રીના પવિત્ર દિવસે વાંકાનેરના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જ ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોને વિવિધ સુશોભનોથી શણગારવામાં આવ્યા હતા. આજરોજ શિવરાત્રીના પવિત્ર દિવસે તમામ શિવાલયોમાં ચાર પ્રહરની પુજા, મહાઆરતી, લઘુરૂદ્ર સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવાલયોમાં શિવરાત્રીના પર્વે બપોરે ૧ર.૦૦ અને રાત્રીના ૧ર કલાકે આરતી કરવામાં આવેલ જેનો વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિક ભકતોએ લાભ લઈ આરતી બાદ ભાંગ અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. શિવરાત્રીના મહાપર્વે શિવ આરાધના અને ઉપાસનાનું પણ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ છે ત્યારે અસંખ્ય લોકો શિવરાત્રીનું વ્રત કરી ઉપવાસ ધારણ કર્યું હતું. આમ વાંકાનેર નગરીમાં ધાર્મિક માહોલ વચ્ચે શિવરાત્રીના પાવન પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર, જાગનાથ મહાદેવ મંદિર, અમરનાથ મહાદેવ મંદિર, મહાકાલેશ્વર મહાદેવ મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડયા હતા. વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટયો હતો અને દર્શન તેમજ પૂજાનો લાભ શિવ ભક્તોએ ઉઠાવેલ.