મોરબી : મોરબી સોની બજારમાં ચાતુર્માસ દરમ્યાન બિરાજેલા આજરાઅમર સંપ્રદાયના ભાવચંદ્રના શિષ્યા સાધનાબાઈ સ્વામીના વિહાર દરમ્યાન વિદારકના પાટિયા પાસે અકસ્માત થતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મહાસતીજીની સાથે રહેલા મહિલાનું મોત નીપજ્યું છે. આદીઠાણા 2 મોરબી મુકામે સોની બજારમાં ચાતુર્માસમાં બિરાજેલા સાધનાબાઈ સ્વામી મહારાજ વ્હિલચેરમાં બેસી વિહાર કરી રહ્યા હતા ત્યારે વિદારકા ગામના પાટિયા પાસે પરંપરા હોટલની સામે એક આઈશર ચાલકે તેઓને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં મહાસતીજી ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે વ્હીલચેર ચલાવવા તેઓની સાથે રહેલા ધારી ગામના ભારતીબેન મનસુખભાઇ પાટડીયાનું ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મોત નીપજ્યું છે. બનાવને લઈને સંપ્રદાયમાં શોક વ્યાપી ગયો છે. અકસ્માતની નોંધ લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આઈશર ચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ આદરી છે.