ભવ્ય ઉજવણીમાં કેવા પ્રકારનું છે આયોજન ? કાર્યક્રમોથી લઈને વ્યવસ્થા સુધીની તમામ માહિતી જાણો10 થી 12 ફેબ્રુઆરી ટંકારાના આંગણે યોજાશે ભવ્યાતિભવ્ય જન્મોત્સવરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પધારશેટંકારા : ટંકારના આંગણે ન ભૂતો ન ભવિષ્યતિ સમાન સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મોત્સવની ઉજવણી આગામી તારીખ 10 થી 12 ફેબ્રુઆરી સુધી થનાર છે. આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને દેશ-વિદેશના મહેમાનો પધારવાના હોય ત્યારે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી અપટેડની ટીમે કાર્યક્રમ સ્થળે જઈને તમામ તૈયારીઓ અને આયોજનની વિશેષ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતીની ઉજવણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ટંકારામાં અનેકવિધ કાર્યક્રમો અને સુશોભન કરવામાં આવી રહ્યું છે. ટંકારાના દરેક ઘરમાં ધ્વજ લગાવાયા છે અને દરેક આંગણે રંગોળી સજાવાઈ છે. મોરબી અપટેડની ટીમે સ્વામી દયાનંદ સરસ્વતીજી જે ઘરમાં જન્મ્યા હતા તે ઘરની પણ મુલાકાત લીધી હતી.મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મોત્સવકાર્યક્રમની જો વિગતે વાત કરીએ તો, ત્રણેય દિવસ સવારે 5-30 થી 7-30 સુધી યોગઅભ્યાસ અને ધ્યાનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ દરરોજ સવારે 8-30 થી 9-30 અને સાંજે 6-15 થી 7 વાગ્યા સુધી યજમાન દ્વારા યજ્ય થશે. આ ઉપરાંત આખો દિવસ લોકો યજ્યમાં આહૂતિ આપી શકશે. 10 ફેબ્રુઆરીએ સવારે 9 થી 9-30 સુધી ટંકારામાં જન્મસ્થળે યજ્ઞ યોજાશે. ત્યારબાદ 9-30એ શોભાયાત્રાનો પ્રારંભ થશે.ટંકારામાં યોજાનાર આ જન્મોત્સવ કાર્યક્રમ સ્થળે અદભુત તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ કતશનજીનું આંગણું નામની 70 વીઘા જેટલી જગ્યામાં યોજાઈ રહ્યો છે. આ સ્થળને સ્વામી દયાનંદ સરસ્વતીજીના પિતાજીના નામ પરથી કરસનજીકા આંગન નામ આપવામાં આવ્યું છે. સ્થળ પર 100 જેટલા બંગાળી કારીગરોની 15 થી 20 દિવસની મહેનત બાદ ભવ્ય અને અદભુત પ્રવેશદ્વાર બનાવાયો છે.10 ફેબ્રુઆરીએ જન્મ સ્થળથી નીકળશે ભવ્ય શોભાયાત્રા યોજાશે.આ પ્રસંગે દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી જ્યોતિ લઈને ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાના યજમાન રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે જે સમગ્ર શોભાયાત્રા દરમિયાન સાથે રહેશે. આ શોભાયાત્રામાં દેશ-વિદેશથી પધારેલા મહેમાનો પણ જોડાશે. અને જ્યોતિ કાર્યક્રમના સ્થળ પર લઈ જવામાં આવશે.આર્ય સમાજના સ્થાપક સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના 200માં જન્મ મહોત્સવ પ્રસંગે કરસનજી કાં આંગન કાર્યક્રમ સ્થળે 14 ફૂટ ઉંચી સ્વામી દયાનંદ સરસ્વતીજીની મૂર્તિ બનાવવામાં આવી છે. જેમાં દયાનંદ સરસ્વતીજી સત્યાર્થ પ્રકાશ પુસ્તક લખતાં હોય તેવી પ્રતિકૃતિ બનાવાઈ છે. આ મૂર્તિને 10 ફેબ્રુઆરીના રોજ ખુલ્લી મૂકવામાં આવશે. આ કાર્યક્રમમાં 46 દેશના અને અન્ય રાજ્યના 7 હજાર જેટલો લોકો આવવાના છે. આ મહેમાનો માટે રહેવા-જમવા સહિતની સુવિધા પણ અહીંયા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત ટંકારાના રહેવાસીઓએ પણ બહારથી આવતા મહેમાનોને રહેવા માટે પોતાના ઘર ખુલ્લા મૂકી દીધા છે. સાથે જ સમાજવાડી, સ્કૂલોમાં પણ રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમ સ્થળે વિવિધ સમિતિઓની ઓફિસ પણ બનાવાઈ છે. આ ઉપરાંત સંગ્રહાલય, ફૂડ ઝોન, પુછપરછ વિભાગ સહિતના વિભાગો બનાવાયા છે.કાર્યક્રમ સ્થળ પર વૈદિક પરંપરા પ્રમાણે યજ્ય શાળા બનાવાઈ છે. જેમાં ત્રણ દિવસ સુધી યજ્ઞ ચાલશે. જેમાં અહીં આવનાર તમામ લોકો અંજલી આપીને ભાગ લઈ શકશે. યજ્યકુંડ જુની પરંપરા પ્રમાણે માટી અને ગારમાંથી બનાવાઈ છે. અને સમગ્ર યજ્ઞશાળા વાંસની બાનવાઈ છે. યજ્ય શાળાની બાજુમાં ગૌશાળા પણ બનાવાઈ છે. વધુમાં કાર્યક્રમ સ્થળે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ભારતભરમાં કૂલ 850 શાળા ધરાવતી DAV શાળાના બાળકો દ્વારા અદભુત નાટક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.ટંકારા ખાતે કાર્યક્રમ સ્થળે મુખ્ય ડોમ સહિત વિવિધ 11 ડોમ બનાવાયા છે. જેમાં મુખ્ય વિશાળ જર્મન ડોમ ઉભો કરાયો છે. જેમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ ડોમમાં 10 હજારથી વધુ લોકો બેસી શકશે. આ ડોમમાં ચાર વેદની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. આ ડોમમાં દરરોજ સંતો, મહંતોના પ્રવચનો યોજાશે. ભોજન માટે પણ અલગ ડોમ બનાવાયો છે જેમાં સવારથી સાંજ સુધી ભોજન પ્રસાદ નિઃશુલ્ક ચાલુ રહેશે. આ ઉપરાંત પ્રદર્શની માટે એક અલગ ડોમ બનાવાયો છે. જેમાં પ્રદર્શની યોજાશે. અન્ય એક ડોમમાં હાથવણાટની વસ્તુઓ, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓના વેચાણ માટે બનાવાયો છે. કાર્યક્રમ સ્થળે એક વિશેષ ડોમ બનાવાયો છે જેમાં સનાતની સંતો સમગ્ર દિવસ દરમિયાન સનાતન ધર્મને લગતાં સવાલોના જવાબો આપશે. કાર્યક્રમ સ્થળે રાજકોટના કલાકારો દ્વારા દયાનંદ સરસ્વતીજીના જીવન પર 75 હજાર સ્ક્વેર ફૂટની આકર્ષિત રંગોળી બનાવાઈ છે. દયાનંદ સરસ્વતીના સમયમાં ગામડું કેવું હતું તે લોકોને જોવા મળે તે માટે બહેનોએ મહેનત કરીને ગામડું પણ અહીં ઉભું કર્યું છે. નાના બાળકોના મનોરંજન માટે વિવિધ રાઈડ્સ પણ રાખવામાં આવી છે.10 તારીખે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા હાજરી આપશે. 11 તારીખે ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાય તેવી શક્યતા છે. આ ઉપરાંત યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણજી હાજરી આપશે. જ્યારે 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ માનનીય દ્રોપદી મુર્મુજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રબભાઈ પટેલ હાજર રહેશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મસ્થળની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ કાર્યક્રમ સ્થળે આવશે. આયોજકો દ્વારા રાષ્ટ્રપતિજીને ગુજરાતી ભોજનની મિજબાની કરાવવાની પણ તૈયારી કરી છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ 28 જેટલી સમિતિઓ રાત-દિવસ કામ કરી રહી છે. 1500 જેટલા કાર્યકરો આ કાર્યક્રમમાં સેવા બજાવશે. વિવિધ આઠ પાર્કિંગ ઉભા કરાયા છે. રાજકોટ અને મોરબીથી કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે બસો મૂકવામાં આવી છે.