બમણી રકમ ફરિયાદીને ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ : મોટો રોકડ વ્યવહાર સામે આવતા સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવા કોર્ટનો નિર્દેશમોરબી અપડેટ : વ્યાપારિક સંબંધોના આધારે મેળવેલી રૂા.૧૫ લાખની રકમ પરત કરવા માટે મહારાષ્ટ્રના ખાતેદાર દ્વારા મોરબીના વેપારીને આપવામાં આવેલો બેંક ચેક વટાવવા મૂકતાં તે પરત ફર્યો હતો. કાનૂની નોટિસ બજાવવા છતાં નિયત સમયમર્યાદામાં નાણાંની ચૂકવણી ન થતાં આખરે મોરબીની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થતાં અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી બે વર્ષની કેદ તેમજ ચેકની રકમથી બમણી રકમ એટલે કે રૂા.૩૦ લાખનો દંડ ફટકાર્યો છે.કેસની વિસ્તૃત વિગત મુજબ, મોરબીના ફરિયાદી હિતેશભાઈ ગંગારામભાઈ મોકાસણા અને મહારાષ્ટ્રના ધુલે ખાતે રહેતા દીપક સતીષ રાજપુત વચ્ચે વ્યાપારિક મિત્રતા હતી. આરોપી દીપક રાજપુતે ટાઇલ્સ ખરીદી માટે એડવાન્સ પેમેન્ટ આપવાનું હોવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂા.૧૫,૦૦,૦૦૦ હાથઉછીના લીધા હતા. આ ઉછીની રકમ પરત કરવા માટે આરોપીએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, નંદુરબાર શાખાના ખાતાનો તા.૦૫/૧૦/૨૦૨૨નો રૂા.૧૫ લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક મોરબી સ્થિત આઈડીબીઆઈ બેન્કના ખાતામાં જમા કરાવતાં તા.૨૮/૧૨/૨૦૨૨ના રોજ 'ફંડ ઇનસફીશિયન્ટ'ના શેરા સાથે પરત ફર્યો હતો. નાણાં ન મળતાં ફરિયાદીએ વકીલ મારફત તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ રજિસ્ટર્ડ એડીથી કાનૂની નોટિસ પાઠવી હતી, જે આરોપીને તા.૧૬/૦૧/૨૦૨૩ના રોજ મળી ગઈ હોવા છતાં નાણાં ચૂકવ્યા નહોતા કે કોઈ જવાબ પણ આપ્યો ન હતો. જેથી ફરિયાદીએ મોરબી કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ મોરબીના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં બંને પક્ષોના પુરાવા અને દલીલો ધ્યાને લેવામાં આવ્યા હતા. અદાલતે આરોપી દીપક સતીષ રાજપુતને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ગુના હેઠળ તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ તેમજ ચેકની મૂળ રકમથી બમણી એટલે કે રૂા.૩૦,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ રૂા.૧૫ લાખ વાર્ષિક ૯ ટકા સાદા વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવવાનો અને આરોપી દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, કેસમાં રૂા.૧૫ લાખનો મોટો રોકડ વ્યવહાર થયો હોવાથી સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી આ અંગે યોગ્ય તપાસ-કાર્યવાહી કરવા ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવા યાદી મોકલવાનો તેમજ ગેરહાજર આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇશ્યૂ કરવાનો આદેશ પણ અદાલતે કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ અલ્પેશ હાલપરા અને સુરેશ વાઘાણી રોકાયેલ હતા.