મોરબી: મોરબીની એડી. સિવિલ જજ અને જ્યુડિ. મેજિ. ફ. ક. કોર્ટે ચેક રિટર્ન કેસમાં મહારાષ્ટ્રના આરોપી વેપારી પ્રવિણ શીવરામ મોડેને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂ. ૨૯,૪૬,૨૩૮/- વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.કેસની વિગત મુજબ મોરબીની વૈભવ પોલીવેવ એલ.એલ.પી. કંપનીના ઓથોરાઇઝ્ડ પાર્ટનર નિલેશભાઈ અરજણભાઈ અમૃતિયાએ આ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીની કંપની વણાવેલી થેલી અને પી.પી. વણાવેલા ફેબ્રિક રોલ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે.આરોપી પ્રવિણ શીવરામ મોડેએ ૨૬/૧૦/૨૦૨૩ થી ૨૩/૧૨/૨૦૨૩ દરમિયાન ફરિયાદી પાસેથી કુલ રૂ. ૧૪,૭૩,૧૧૯/- નો માલ ખરીદ્યો હતો. માલના પેમેન્ટ પેટે આરોપીએ આઈ.સી.આઈ.સી.આઈ બેંક, શ્રીરામપુર, અહેમદનગર, મહારાષ્ટ્ર શાખાનો રૂ. ૧૪,૭૩,૧૧૯/- નો ચેક ફરિયાદીને આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાની બેંકમાં જમા કરાવતા, તે ૦૬/૦૪/૨૦૨૪ ના રોજ 'ફંડ ઇનસફિશિયન્ટ' ના શેરા સાથે પરત ફર્યો હતો. ચેક બાઉન્સ થયા બાદ, ફરિયાદીએ આરોપીને રકમ ન ચૂકવતા ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ લીગલ નોટિસ મોકલી હતી, જેની બજવણી ૦૨/૦૫/૨૦૨૪ ના રોજ થઈ હતી. નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં રકમ ન ચૂકવાતા, ફરિયાદીએ તેમના વકીલ મારફત મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.કેસ ચાલવા દરમિયાન, આરોપીએ ગુનાનો ઇનકાર કર્યો હતો પરંતુ ત્યારબાદ તે કોર્ટમાં હાજર રહ્યો નહોતો. આરોપીની સતત ગેરહાજરીને કારણે ફરિયાદીની ઉલટતપાસનો હક પણ બંધ કરવામાં આવ્યો હતો. મોરબી કોર્ટે રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો અને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી પ્રવિણ શીવરામ મોડેને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી અને ચેકની રકમ રૂ. ૧૪,૭૩,૧૧૯/- ની બમણી રકમ એટલે કે રૂ. ૨૯,૪૬,૨૩૮/- નો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો. આ દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની મૂળ રકમ વ્યાજ સહિત તેમજ ફરિયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધીનું વાર્ષિક ૯% વ્યાજ ચૂકવવા જણાવ્યું છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો તેને વધારાની ૯૦ દિવસની સાદી કેદ ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દિલિપભાઈ અગેચાણીયા, જિતેનભાઈ ડી. અગેચાણીયા સહિતની ટીમ રોકાયેલ હતી.