રાજવી પરિવારે ન્યુ પેલેસની બાજુમાં 2 એકર જમીન અર્પણ કરીમોરબી : મોરબીમાં મહારાણી વિજયકુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવનનું કાલે ગુરૂવારે ભૂમિપૂજન કરવામાં આવશે. આ વેળાએ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. મોરબી જીલ્લામાં રાજપૂત સમાજનું ભવ્ય ભવન બનાવવાનું વર્ષોનું સપનું મોરબી રાજવી પરિવારના સહયોગથી સાકાર થવાનું છે. રાજવી પરિવાર તરફથી 2 એકર જમીન ન્યુ પેલેસની બાજુમાં અર્પણ કરવામાં આવેલ છે જેમા એક ભવ્ય સમાજ ભવન એટલે કે મહારાણી વિજયકુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવન નિર્માણ પામશે. આ ભવનનું ભૂમિપૂજન મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી (નામદાર મીરાબાપા સાહેબ)ના હસ્તે કાલે તા.29ને ગુરૂવારે સવારે 11 વાગ્યે રાખેલ છે. આ શુભ પ્રસંગે રાજપૂત સમાજના પરિવારો પધારવા મોરબી જીલ્લા રાજપૂત સમાજ મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વીરપરડા) અને પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) દ્વારા જણાવાયુ છે.