મોરબી : મોરબીમાં દરબાર ગઢ ખાતે આવેલા રામ મહેલ મંદિરમાં ગત તા. 25થી 27 જાન્યુઆરી સુધી પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આશરે 250 વર્ષ પૂર્વે મોરબીના રાજવી પરિવાર દ્વારા સ્થપાયેલ દરબાર ગઢ ખાતે આવેલા રામ મહેલ મંદિરનું ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ નિગમ બોર્ડ ગાંધીનગર દ્વારા જીર્ણોદ્ધાર પામેલા નૂતન મંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રામ પરિવાર, રાધાકૃષ્ણ દેવ, મહાલક્ષ્મી માતાજી, શેષ શૈયા ભગવાન લક્ષમીનારાયણ, પંચમુખી મહાદેવ, હનુમાન મહારાજ તથા ગણેશજીની ભવ્ય મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે મોરબી નિવાસી વિપુલભાઈ શાસ્ત્રી બિરાજેલ હતા. રામ મહેલ મંદિરના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરના મહંત હિરાદાસજી નિમાવત, છગનદાસજી નિમાવત, રાજેન્દ્રદાસજી નિમાવત તથા લઘુ મહંત ધર્મેન્દ્રજી મહારાજ (કથાકાર સુખરામ બાપુ)ના સાનિધ્યમાં ભાવભેર ઉજવાયો હતો. મહોત્સવના અતિથિ વિશેષ તરીકે મોરબી સ્ટેટના મહારાણી એચ. એચ. વિજય કુંવરબા રાજમાતા ઉપસ્થિત રહી શોભાવૃદ્ધિ કરી હતી. તેમજ કાંતિલાલ અમૃતિયા, રાજુભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓ તથા અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે બહોળી સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી ત્રિદિવસ કાર્યક્રમોનો લાભ લઇ ધન્યતાની અનુભૂતિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં આવેલા વિનાશક 2001ના ધરતીકંપમા મોરબી શહેરનું આશરે 250 વર્ષ પુરાણું શ્રી રામમહેલ મંદિર સંપૂર્ણ ધ્વસ્ત થયું હતું. તેથી, મંદિરમા દર્શનાર્થીઓને પ્રવેશની મનાઈ હતી. શ્રી રામમહેલ મંદિરમાં શ્રી રામ પંચાયતના દર્શન થાય છે. સમગ્ર ભારતમા શ્રી રામ પંચાયતના બે જગ્યાએ જ સ્થપનો આવેલા છે. જે મંદિરની ખાસિયત છે. આ પ્રાચીન મન્દિરમા શ્રી મહાલક્ષ્મીની ભવ્ય મૂર્તિ, શ્રી રાધાકૃષ્ણની મૂર્તિ, શ્રી પંચમુખી મહાદેવ, શ્રી લક્ષમીનારાયન, શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજી મહારાજની અતિ પ્રાચીન મૂર્તિઓનું સ્થાપન કરવામા આવેલ છે. આ પ્રાચીન મંદિરમા જેઠ માસમા વડસાવિત્રીના દિવસે રાજાશાહીના સમયમા મંદિરમા હોજ હતો. તેમાં ચાંદીના વહાણમા પ્રભુ રામ, લક્ષમણ અને સીતાજીની મૂર્તિને નગર પરિભ્રમણ કરવામાં આવતું હતું. પૂજ્ય મુરારીબાપુએ તેમની મોરબીની પ્રથમ કથાનો પ્રારંભ આ મંદિરેથી કરેલ હતો. મોરબી સ્ટેટ દ્વારા આ પ્રાચીન મન્દિરની સાર સંભાળ લેવાતી હતી ત્યારબાદ રાજ્ય સરકાર હસ્તક આ મંદિરનું સંચાલન કરવામા આવે છે. 2011થી મોરબીના ચંદ્રકાંત ભાઈ દફ્તરી દ્વારા ગુજરાત સરકાર સાથે આ મન્દિર નો પુનઃઉદ્ધાર થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામા આવેલ હતા અને આ શુભ કાર્ય માટે શ્રી રામ મહેલ મંદિર પુનઃ ઉદ્ધાર સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ચંદ્રકાંત દફ્તરી અને સેક્રેટરી તરીકે મહંત રાજેન્દ્રદાસ, સભ્ય તરીકે કે. પી. ભાગીયા, બાબુભાઈ બોરીચા અને મગનભાઈની નિમણૂક કરવામા આવી હતી. 2014ના pwd દ્વારા આ મંદિરને ઉતારી લેવામા આવેલ હતું ત્યારબાદ ગાંધીનગર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા આ મંદિરનું પુનઃ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. આ મંદિરને ભવ્ય બનાવવા માટે પવિત્ર યાત્રાધામ દ્વારા 1 કરોડ 50 લાખના ખર્ચે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. શ્રી રામ મહેલ મંદિર પુનઃઉદ્ધાર સમિતિના પમુખ ચંદ્રકાંત દફ્તરી અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદીપભાઈ વાળા અને રાજુભાઈ ધ્રુવ દ્વારા સરકાર સાથે સતત સંપર્કમા રહી અને મોરબીના આ પ્રાચીન મન્દિરને ભવ્ય સ્વરૂપ આપવા મહેનત કરવામા આવેલ હતી.