શહેરના પ્રત્યેક ઝુંપડાની મુલાકાત લઈ પ્રસાદ વિતરણ કરવામા આવશે મોરબી : મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરવામા આવી રહી છે ત્યારે તા. ૧૯ ગુરુવારના રોજ યોજાનાર મહાપ્રસાદ રાજ્ય સરકારના આદેશ મુજબ મોકુફ રહેશે. સરકાર દ્વારા કોરોના વાઈરસના અટકાયતી પગલા સ્વરૂપે ભીડ એકત્રિત થતી હોય, તેવા કાર્યક્રમો ન યોજવા આદેશ આપવામા આવ્યો છે. મોરબી જલારામ મંદિર ખાતે દર ગુરુવારે યોજાતા મહાપ્રસાદમા આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ લોકો એકત્રિત થતા હોય છે. તેથી, સરકારના આદેશ મુજબ ગુરુવાર પ્રસાદ મોકુફ રાખવામા આવેલ છે. પરંતુ મોરબી જલારામ મંદિર ખાતે લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ વર્ષોથી ચાલુ છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જીત આફતો સમયે પણ મોરબી જલારામ મંદિર દ્વારા સદાવ્રત ચાલુ રાખવામા આવ્યુ છે ત્યારે આ પરંપરા જાળવી રાખવા સંસ્થાના અગ્રણીઓએ નિર્ણય કર્યો છે. સંસ્થાના આગેવાનો શહેરમા આવેલ દરેક ઝુંપડાની મુલાકાત લઈ પ્રસાદ અર્પણ કરશે તેમજ તેમને કોરોના વાઈરસ અંગે પ્રાદેશિક ભાષામા સમજણ પ્રદાન કરશે. તેમ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમા જણાવ્યુ છે.