મહા માસની પૂનમે ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે : પદ્મપુરાણ, મત્સ્યપુરાણ, નિર્ણયસિંધુ ગ્રંથોમાં વર્ણવાયું છે મહા માસનું માહાત્મ્યકાર્તિકી પંચાંગ મુજબ ચોથો માસ મહા છે, જ્યારે હિન્દુ રાષ્ટ્રીય પંચાંગનો અગિયારમો મહિનો મહામોરબી : આપણાં શાસ્ત્રોમાં પંચાંગનું ઘણું મહત્વ છે. કાર્તિકી પંચાંગ મુજબ વર્ષ દરમિયાન આવતા બાર માસમાં પ્રથમ માસ કારતક છે તો છેલ્લો માસ આસો છે. આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહા આવે છે. મહા માસ આવે એટલે ભગવાન શિવ યાદ આવે જ આવે. કારણ કે આ માસની વદ તેરશે મહાશિવરાત્રી આવે છે. જેને હિન્દુ ખૂબ શ્રદ્ધાપૂર્વક ઊજવે છે. જો હિન્દુ રાષ્ટ્રીય પંચાંગ જોઈએ તો હિન્દુ રાષ્ટ્રીય પંચાંગનો અગિયારમો મહિનો મહા ગણાય. આ માસની પૂનમે ચન્દ્ર મઘા નક્ષત્રમાં હોય છે. આ માસનું નક્ષત્ર મઘા ગણાય છે. આ માસનો મહિમા અનોખો છે. પદ્મપુરાણ, મત્સ્યપુરાણ, નિર્ણયસિંધુ નામના મહાગ્રંથોમાં આ માસનું ખૂબ વિસ્તારથી માહાત્મ્ય ગવાયું છે. મહા માસ એ સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર માસ છે. આ માસ દરમિયાન કરેલા દાન, પુણ્ય તથા સ્નાન અક્ષય ફળ આપનાર બને છે. કહેવાય છે કે જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન પુણ્ય સ્નાન કરે છે. તેનું તેને અનેક જન્મ જન્માંતરમાં સુખદ ફળ મળ્યા કરે છે. મહા માસ સ્નાનનો માસ ગણાય છે. તેથી જ હેમંત ઋતુમાં નદીઓનાં જળ તથા વાતાવરણની હવા શીતળ હોય છે. શિશિર ઋતુ આવતાં જ તેની અસર ધીરે ધીરે ઓસરવા લાગે છે. ધીમે ધીમે ઠંડી આ માસ દરમિયાન વિદાય લેવા માંડે છે. વાતાવરણ ધીમે ધીમે ઉષ્ણતા પકડતું જાય છે. જળમાં પણ સમશીતોષ્ણતા આવે છે. તેથી, સ્નાન માટે સમશીતોષ્ણ જળ એટલે કે બહુ ઠંડુ પણ નહીં કે બહુ ગરમ પણ નહીં તેવું જળ પસંદ કરવું જોઈએ. આ માસ ભગવાન વિષ્ણુને અતિપ્રિય હોવાથી બને તેટલી વિષ્ણુભક્તિ આ માસ દરમિયાન કરવી જોઈએ. સાથેસાથે થાય તેટલાં દાનપુણ્ય કરવાં જોઈએ.